24 June, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે યુવતીઓએ એક જ છત્રીમાં થોડુંક બચીને અને થોડુંક ભીંજાઈને પહેલા વરસાદની મજા માણી હતી.
લાંબી પ્રતીક્ષા બાદ આખરે મંગળવારે ૨૩ જૂનથી મુંબઈમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું બેસવાની તારીખ ૧૧ જૂન છે, પરંતુ આ વર્ષે ૧૨ દિવસ જેટલું મોડું પડ્યું છે. હવામાન વિભાગે ગઈ કાલે જાહેરાત કરી હતી કે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે. હવામાન વિભાગનાં નિષ્ણાત સુષમા નાયરે કહ્યું હતું કે ‘નૈઋત્યનું ચોમાસું ૨૩ જૂને મુંબઈ પહોંચી ગયું છે. ૨૦૨૩માં પચીસ જૂને ચોમાસું બેઠું હતું. છેલ્લા એક દાયકાના ઇતિહાસમાં પણ આ વર્ષનું ચોમાસું મોડા ચોમાસાની યાદીમાં સામેલ થઈ ગયું છે. એમ છતાં ૨૦૧૯ અને ૨૦૨૩ના રેકૉર્ડ કરતાં આ વર્ષે ચોમાસું થોડું વહેલું છે.’
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના વધુ વિસ્તારો, તેલંગણ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે. આગામી બેથી ૩ દિવસમાં ચોમાસું ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સક્રિય થઈ જશે.
છેલ્લા એક દાયકામાં ચોમાસું ક્યારે બેઠું?
વર્ષ તારીખ
૨૦૧૫ ૮ જૂન
૨૦૧૬ ૨૦ જૂન
૨૦૧૭ ૧૦ જૂન
૨૦૧૮ ૯ જૂન
૨૦૧૯ ૨૫ જૂન
૨૦૨૦ ૧૪ જૂન
૨૦૨૧ ૯ જૂન
૨૦૨૨ ૧૧ જૂન
૨૦૨૩ ૨૫ જૂન
૨૦૨૪ ૬ જૂન
૨૦૨૫ ૨૬ મે
(સૌથી વહેલું)
વાદળછાયા આકાશ અને ઠંડા પવનો સાથે મુંબઈમાં પડ્યો મજાનો વરસાદ
સત્તાવાર ચોમાસું ભલે ગઈ કાલથી બેઠું, પણ મુંબઈમાં સતત ૩ દિવસથી વિવિધ સ્થળોએ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. વાદળછાયું આકાશ અને ઠંડા પવન સાથે ગઈ કાલે લગભગ આખો દિવસ મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. સવારે શહેર, ઉપનગરો તથા વસઈ-વિરાર અને થાણે જેવા આસપાસના વિસ્તારોમાં બધે જ સારો વરસાદ પડ્યો હતો. સવારે સાતથી ૮ વાગ્યા દરમ્યાન દિક્ષણ મુંબઈ તથા પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરોમાં હળવો વરસાદ પડ્યો હતો. સાઉથ મુંબઈમાં સવારે પ્રમાણમાં વધુ જ્યારે ઉપનગરોમાં ઓછો વરસાદ પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન ખાતાએ ગઈ કાલે અમુક કલાક માટે યલો અલર્ટ પણ જાહેર કરી હતી. મંગળવારે સવારે ૮ વાગ્યા સુધીમાં સાઉથ મુંબઈમાં ૧૩.૩૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આજ માટે હવામાન ખાતાએ યલો અલર્ટ પણ જાહેર કરી હતી.
તળાવના કૅચમેન્ટ એરિયામાં પડ્યો ૮૯ મિલીમીટર વરસાદ
૨૪ કલાકમાં મંગળવારે છ વાગ્યા સુધી પડેલા વરસાદને કારણે કૅચમેન્ટ એરિયામાં કુલ ૮૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એમાં સૌથી વધુ વરસાદ મિડલ વૈતરણમાં ૫૫ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાતસામાં ૧૬ મિલીમીટર અને મોડકસાગરમાં ૧૩ મિલીમીટર વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે વિહાર અને તુલસી જળાશયમાં વરસાદ નહોતો પડ્યો. આ વર્ષે કૅચમેન્ટ એરિયામાં કુલ ૧૦૮ મિલીમીટર વરસાદ પડ્યો છે. અત્યારે મુંબઈનાં જળાશયોમાં ૮.૦૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ભીના રસ્તા પર બોરીવલીમાં વાહનો લપસવાની ઘટના, પાંચથી છ વાહનો એકબીજા સાથે ટકરાયાં
બોરીવલી-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર દેવીપાડા મેટ્રો સ્ટેશન પાસે મંગળવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ વરસાદને કારણે ભીના થયેલા રસ્તા પર વાહનોનાં ટાયર લપસતાં અકસ્માત થયો હતો. એક ટેમ્પો, રિક્ષા, બે કાર સહિત પાંચથી છ વાહનોની ટક્કર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
BKC મેટ્રો સ્ટેશનના બેઝમેન્ટમાંથી ઝેરી રસલ્સ વાઇપર સાપ મળ્યો
મેટ્રો 3ના બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસ (BKC) સ્ટેશનના પરિસરમાંથી મંગળવારે સવારે એક અત્યંત ઝેરીલો રસલ્સ વાઇપર પ્રજાતિનો સાપ મળી આવતાં સિક્યૉરિટી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. આ સાપને વન્યજીવ સંરક્ષક અતુલ કાંબળેએ ભારે વરસાદ વચ્ચે પણ સુરક્ષિત પકડી લીધો હતો. આ રેસ્ક્યુ ઑપરેશનનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ઘટના મંગળવારે સવારે ૭.૪૭ વાગ્યે BKCમાં મેટ્રો 3 સ્ટેશનની બાજુમાં આવેલા A5 ઑડિટ બિલ્ડિંગ પાસે બની હતી. રેસ્ક્યુ ઑપરેશનમાં પકડાયેલો આ સાપ ભારતનો સૌથી ઝેરીલો સાપ ગણાય છે. આ સાપ અંદાજે બેથી અઢી ફુટ લાંબો હતો. વરસાદ શરૂ થતાં પહેલાંના છેલ્લા કેટલાક દિવસોની અસહ્ય ગરમીને કારણે સાપ ડીહાઇડ્રેટ થઈ ગયો હતો.
રેસ્ક્યુ કરીને સાપના મોં પાસે પાણીની બૉટલ રાખીને એને પાણી પિવડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાપે પણ તરત જ બૉટલમાંથી પાણી પીવાનું શરૂ કરી દીધું હતું, જે જોઈને ત્યાં હાજર મેટ્રોનો સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પાણી પીધા પછી સાપ થોડો ઍક્ટિવ થયો હતો અને પ્રેશર-કુકરની વ્હિસલ જેવો મોટો અવાજ કરવા લાગ્યો હતો. અત્યંત સાવચેતીપૂર્વક ઑપરેશન પાર પાડીને સાપને એક ડબ્બામાં સુરક્ષિત રીતે બંધ કરવામાં આવ્યો હતો અને બાદમાં એને જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો.