મૉન્સૂનની સીઝનમાં ચાર મહિનામાં ૨૯ વાર મોટી ભરતી

21 April, 2023 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી સપ્ટેમ્બરે સૌથી મોટી ભરતી

ફાઇલ તસવીર

મુંબઈના વરસાદનો અને મુંબઈગરાનો અભૂતપૂર્વ નાતો છે. મુંબઈગરો વરસાદમાં ભીંજાશે, વૉટર લૉગિંગ થતાં હેરાન થશે અને ટ્રેનો બંધ થતાં ટ્રૅક પર ચાલીને ઑ​ફિસે પણ પહોંચશે. આમ વરસાદ મુંબઈગરાના જુસ્સાને તોડી શકતો નથી. હવે મૉન્સૂનને દોઢથી પોણાબે મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે આ સીઝનમાં કયા દિવસે મોટી ભરતી રહેશે એની આગોતરી જાણ વેધશાળાએ કરેલી આગાહી મુજબ બીએમસીએ કરી છે.

મૉન્સૂનની આ સીઝનમાં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં ૪.૫ મીટર કરતાં વધુ ઊંચાઈનાં મોજાં સાથેની ભરતી ૨૯ વખત થવાની છે. એમાં પહેલી સપ્ટેમ્બરે સૌથી મોટી ભરતી ૪.૮૮ મીટરનાં મોજાંની હશે. સામાન્ય રીતે જુલાઈમાં વરસાદનું જોર વધુ રહેતું હોય છે ત્યારે આ વર્ષે પાંચમી અને સાતમી સપ્ટેમ્બરે અનુક્રમે ૪.૭૮ અને ૪.૭૭ મીટરની ભરતી રહેશે.

જો મોટી ભરતીના સમયે મુંબઈમાં થોડો પણ વધારે વરસાદ થાય તો મુંબઈ જળબંબાકાર થઈ જાય છે અને મોટા ભાગનો વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે. 

mumbai mumbai news mumbai monsoon mumbai rains Weather Update mumbai weather