મુંબઈ: સીએએના વિરોધમાં ભારત બંધને શહેરમાં આંશિક પ્રતિસાદ

30 January, 2020 09:53 AM IST  |  Mumbai

મુંબઈ: સીએએના વિરોધમાં ભારત બંધને શહેરમાં આંશિક પ્રતિસાદ

મુંબ્રામાં રિક્ષાને અટકાવવાનો પ્રયાસ કરતા લોકો અને બંધ દુકાનો. તસવીર: પી.ટી.આઇ.

સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) ઍક્ટ (સીએએ) તથા સૂચિત નૅશનલ રજિસ્ટર ફૉર સિટિઝન્સ (એનઆરસી)ના વિરોધમાં બુધવારે પાળવામાં આવેલા ‘ભારત બંધ’ દરમ્યાન વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોની દુકાનો તથા ઑફિસો બંધ રહી હતી.

ડોંગરી, ભાયખલા, નાગપાડા, માહિમ, બાંદ-બહેરામપાડા, કુર્લા પાઇપ રોડ, કસાઈવાડા, અંધેરી, જોગેશ્વરી, મલાડ-માલવણી અને વિક્રોલીના મુસ્લિમ વિસ્તારોની દુકાનો તથા ઑફિસો બંધ રહી હતી એમ પોલીસે જણાવ્યું હતું.

આ ઉપરાંત બંધને પાડોશના થાણે જિલ્લાના મુંબ્રા તથા નવી મુંબઈના તલોજા, વાશી અને પનવેલમાં પણ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.નાગપાડામાં રહેતા સલીમ કુરેશીએ જણાવ્યું હતું કે સંસદમાં સીએએ પસાર કરવામાં આવ્યો ત્યારથી મુસ્લિમો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

કાંજુરમાર્ગમાં રેલ-રોકો- ગઈ કાલે ભારત બંધના એલાન દરમ્યાન કાંજુરમાર્ગના ટ્રેક પર વિરોધને કારણે રેલવે સર્વિસ પર ૩૦ મિનિટ સુધી અસર પડી હતી.

ધુળેમાં ભારત બંધ દરમ્યાન અથડામણ

ધુળે જિલ્લામાં બુધવારે સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) ઍક્ટ (સીએએ)ના વિરોધમાં કરાયેલા ‘ભારત બંધ’ દરમ્યાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને યવતમાળ, ઔરંગાબાદ તથા અન્ય કેટલાંક સ્થળોએ છૂટાછવાયા હિંસાના બનાવ નોંધાયા હતા.
ધુળેમાં હિંસક ટોળાને વિખેરવા માટે પોલીસે હવામાં ચાર રાઉન્ડ છોડ્યા હતા અને ટિયર ગૅસના ૬ શેલ છોડ્યા હતા એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

બુધવારે સીએએ તથા સૂચિત નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી)ના વિરોધમાં યોજાયેલી રૅલી દરમ્યાન ચાલીસગાંવ રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ૧૦૦ ફુટ રોડ પર આ બનાવ બન્યો હતો. પોલીસ અધિકકારીએ જણાવ્યા અનુસાર મુસ્લિમોએ વ્યાપક પ્રમાણમાં આ રૅલીમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો : ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થઈ તો ફ્લાઇટની તો કન્ફર્મ જ સમજો

પાલઘરમાં હળવો લાઠીચાર્જઃ ૧૩ જણની થઈ ધરપકડ

પાલઘર પોલીસે નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય રજિસ્ટર સિટિઝન (એનઆરસી)નો વિરોધ કરવા ભારત બંધનું આહ્‍વાન કરનાર બહુજન ક્રાન્તિ મોરચા (બીકેએમ)ના વિરોધકર્તાઓ પર હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પાલઘર પોલીસે ૬ મહિલાઓ સહિત ૧૩ જણની ધરપકડ કરીને જ્યારે પાલઘર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

mumbai bharat bandh mumbai news caa 2019 kanjurmarg