શહેરના રસ્તાઓ ટૂંક સમયમાં મેટ્રોનાં બૅરિકેડ્સથી મુક્ત થશે

06 December, 2022 10:34 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ટનલિંગનું કામ પૂર્ણ થતાં એમએમઆરસીએલએ રસ્તા ફરી વ્યવસ્થિત કરવાનું કામ હાથ ધર્યું, જે ૨૦૨૪ના એપ્રિલ સુધી પૂર્ણ થવાની શક્યતા

મેટ્રો લાઇન 3 માટે રસ્તા પર મુકાયેલાં બૅરિકેડ્સ

ટનલિંગનું કામ પૂર્ણ કરવાની જાહેરાત સાથે શહેરની પ્રથમ ભૂગર્ભ મુંબઈ મેટ્રો ઍક્વા લાઇન 3 તૈયાર કરવા માટે મૂકવામાં આવેલા વાડ અને કામચલાઉ લોખંડના રસ્તાઓથી  મુંબઈ ટૂંક સમયમાં મુક્તિ મેળવશે. હવે મુંબઈ મેટ્રો રેલવે કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)એ રસ્તાઓને પુનઃ સ્થાપિત કરવાનું કામ શરૂ કરી રહ્યું છે.

એમએમઆરસીએલે એનાં પાંચ સ્ટેશનો પર રસ્તાઓનું પુન: નિર્માણ કરવાનું કામ શરૂ કરી દીધું છે તથા અન્ય માર્ગોનું કામ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સજ્જ છે.

એમએમઆરસીએલ દ્વારા મેટ્રો લાઇન-3ના એમઆઇડીસી, મરોલ નાકા, સીપ્ઝ, વિદ્યાનગરી, ધારાવી સ્ટેશન પર રસ્તાઓના પુન: નિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે જે જૂન, ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થવાનું અપે‌ક્ષિત છે. બાકીનાં ૨૨ સ્ટેશનોના રસ્તાઓના પુન:નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવશે, જે એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થવાનું અપે​િક્ષત હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈના અન્ડરગ્રાઉન્ડ મેટ્રોના ઇતિહાસમાં ૩૦ નવેમ્બરનો દિવસ યાદગાર પુરવાર થશે, કેમ કે આ દિવસે સીપ્ઝથી કોલાબા સુધીનું ટનલિંગનું કામ ૧૦૦ ટકા પૂર્ણ થયું હતું તથા તેના મુંબઈ સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન પર કૉરિડોર પર તેની ૪૨મી અને અંતિમ સફળતા હાંસલ કરી હતી. આખો પ્રોજેક્ટ અંદાજે ૭૬.૬ ટકા પૂર્ણ થયો છે.

એમએમઆરસીએલ કામ પૂર્ણ કર્યા બાદ આરે અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ વચ્ચેના પહેલા તબક્કાની કામગીરી શરૂ કરવા માગે છે. જુલાઈમાં મુંબઈમાં પહોંચેલું પ્રથમ રૅક હાલ ટ્રાયલ હેઠળ છે ત્યારે એમએમઆરસીએલ જૂન ૨૦૨૩ સુધીમાં આરે-બીકેસી વચ્ચેના પહેલા તબક્કા  પર સર્વિસ શરૂ કરવા માટે જરૂરી તમામ નવ રૅક લાવવા માગે છે.

આ નવ રૅક માટેની સુવિધાઓ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં તૈયાર થઈ જશે અને ડેપો જુલાઈ ૨૦૨૩માં કૉરિડોરના પહેલા તબક્કાની કામગીરી સંભાળી શકશે. આરે ડેપો સાઇટ પર ઑપરેશન કન્ટ્રોલ સેન્ટર (ઓસીસી) જેવાં કેટલાંક અન્ય કામો ચાલુ રહી શકે છે. જોકે બીકેસી મેટ્રો સ્ટેશન પર બૅકઅપ કન્ટ્રોલ સેન્ટર (બીસીસી)ની જોગવાઈ હોવાથી એમાં કોઈ અવરોધ નહીં નડે. 

mumbai mumbai news mumbai metro rajendra aklekar