27 April, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ કમિશનર ઑફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) પાસે મેટ્રો લાઇન 2Bના ચેમ્બુર સ્ટેશન સુધીના એક્સ્ટેન્શનના નિરીક્ષણ માટે માગણી કરી છે. સાયન-ટ્રૉમ્બે રોડ પર આવતું આ નવું સ્ટેશન ડાયમન્ડ ગાર્ડન સ્ટેશનની બાજુમાં બની રહ્યું છે જેને પગલે મોનોરેલને કનેક્ટિવિટી મળશે.
૮ એપ્રિલે ડાયમન્ડ ગાર્ડનથી મંડાલે સુધીનો પહેલો ફેઝ શરૂ થયા પછી હવે આ લાઇન ચેમ્બુર સુધી લંબાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ ચેમ્બુર સ્ટેશનનું કામ પૂરું થવા આવ્યું છે. દાદરા અને રસ્તાનું કામ છેલ્લા તબક્કામાં છે. CMRSના નિરીક્ષણ બાદ મંજૂરી મળશે એટલે ચોમાસા સુધીમાં આ સ્ટ્રેચ લોકો માટે ખોલી દેવાશે.
ચેમ્બુર મેટ્રો સ્ટેશન મોનોરેલના વી. એન. પુરવ માર્ગ સ્ટેશનથી ફક્ત ૧૦૦ મીટર દૂર છે. આથી મુસાફરો મેટ્રોમાંથી ઊતરીને તરત મોનોરેલ પકડી શકશે. ચેમ્બુર મોનોરેલ સ્ટેશન હાર્બર લાઇનના ચેમ્બુર રેલવે-સ્ટેશનથી ૨૦૦ મીટર દૂર છે. મોનોરેલ મહાલક્ષ્મી અને જેકબ સર્કલ સુધી જાય છે. ત્યાંથી મેટ્રો 3 પકડીને વરલી, કફ પરેડ સુધી જવાશે. આ સ્ટેશન સ્વસ્તિક પાર્ક જંક્શન પાસે છે, જ્યાંથી બેસ્ટની બસ અને રિક્ષા દ્વારા કુર્લા જવાય છે. આઠથી ૧૪ એપ્રિલ દરમ્યાન લાઇન 2B પર રોજ ૩૯૯૨ મુસાફરો નોંધાયા હતા. આગળ જતાં આ લાઇન BKC સુધી જશે અને અંધેરી-દહિસરની મેટ્રો લાઇન 2A સાથે જોડાશે.
સ્વામી સમર્થનગર (અંધેરી)થી વિક્રોલી વચ્ચે ફુલ્લી એલિવેટેડ કૉરિડોર પર દોડનારી મેટ્રો 6 ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડવાની છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા આ અંતર્ગત જોગેશ્વરી સ્ટેશન પાસે રેલવે-ટ્રૅકની ઉપર સ્ટીલનો ગર્ડર ગોઠવવામાં આવ્યો હતો. સ્ટીલનો ૪૨ મીટર લાંબો અને ૧૬૮.૯૫ ટન વજન ધરાવતો આ ગર્ડર ગોઠવવા ૫૦૦ અને ૬૦૦ ટનની કૅપેસિટી ધરાવતી બે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માટે વેસ્ટર્ન લાઇનમાં શનિવાર રાતથી રવિવાર સવાર સુધી ૧૦ કલાકનો સ્પેશ્યલ બ્લૉક લેવામાં આવ્યો હતો. મેટ્રો 6 ચાલુ થશે ત્યારે લાખો પ્રવાસીઓને એનો લાભ મળી શકશે.