મેટ્રો 3 એક જ દિવસમાં બે વાર ખોટકાઈ ગઈ

23 May, 2026 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીક અવર્સમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, અનેક લોકો અટવાઈને હેરાન થયા; પહેલાં સવારે અને પછી બપોરે અડધો કલાક મેટ્રો બંધ રહી : કેટલાંક સ્ટેશનોએ એટલી ભીડ થઈ કે એન્ટ્રી બંધ કરવી પડી

ગઈ કાલે મરોલ નાકા સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા લોકો (તસવીર : તરુણ વર્મા)

મેટ્રો 3 પર શુક્રવારે સવારે પીક અવર્સ દરમ્યાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેને કારણે અનેક મુસાફરો અટવાઈ ગયા હતા અને ત્યાર બાદ સખત ભીડનો પણ સામનો કરવો પડ્યો હતો. બપોરે પણ ફરી અડધો કલાક ટ્રેનો અટકી જતાં મુંબઈગરાઓએ હેરાનગતિ વેઠવી પડી હતી.

આરેથી કફ પરેડ સુધી અન્ડરગ્રાઉન્ડ દોડતી મેટ્રો 3ના ૩૩.૫ કિલોમીટર લાંબા કૉરિડોર પર કફ પરેડ જઈ રહેલી ટ્રેન સવારે ૮.૧૫થી ૮.૩૦ વચ્ચે ટેક્નિકલ ખામી આવતાં ઊભી રહી ગઈ હતી. એ પછી એની પાછળ આવતી અને સામેની તરફ કોલાબાથી આરે તરફ જતી બધી જ ટ્રેનોનું શેડ્યુલ ખોરવાઈ ગયું હતું અને બધી ટ્રેનો અટકી ગઈ હતી. મેટ્રો ઑથોરિટીનું કહેવું હતું કે ૨૦ મિનિટનો વિક્ષેપ પડ્યો હતો, પણ પ્રવાસીઓએ કહ્યું હતું કે ૪૦-૫૦ મિનિટ સુધી ટ્રેનો અટકી ગઈ હતી. સવારના ધસારાના સમયે ટ્રેનો અટકી જતાં ઑફિસ જનારાઓને અસર થઈ હતી.

બીજી વાર મેટ્રો 3 બપોરે ૧૨.૩૦થી અટકી ગઈ હતી અને એ વખતે પણ ૩૫થી ૪૦ મિનિટ સુધી ટ્રેનો નહોતી દોડી. સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશન પર અટકેલી એક મહિલા પ્રવાસી મંગલા સરદારે કહ્યું હતું કે ‘અમે ૧.૩૦ વાગ્યે સિદ્ધિવિનાયક સ્ટેશન પર પહોંચ્યાં હતાં. એ પછી ખબર પડી કે ટ્રેન આગળ નથી જવાની. અમે થોડી વાર રાહ જોઈ, એ પછી પણ જ્યારે ટ્રેન શરૂ ન થઈ અને અંદર નેટવર્ક પણ નહોતું મળતું. આખરે અમારે બહાર આવીને જોગેશ્વરી વિક્રોલી-લિન્ક રોડ જવા માટે કૅબ કરવી પડી હતી. મેટ્રોએ આવી પરિસ્થિતિમાં પ્રવાસીઓને નેટવર્ક મળતું રહે એની કાળજી રાખવી જોઈએ જેથી ઇમર્જન્સીમાં ઘરના લોકોને જાણ કરી શકાય કે અમે અટવાઈ ગયા છીએ.’

નેટવર્ક ન મળતાં મુસીબતમાં થયો વધારો

મેટ્રો 3 અન્ડરગ્રાઉન્ડ ટનલમાં ઊભી રહી ગયેલી ટ્રેનના મુસાફરોની હાલત કફોડી બની હતી, કારણ કે ટનલની અંદર મોબાઇલ-નેટવર્ક નહોતું આવતું એથી તેઓ પરિવારજનો કે ઑફિસમાં જાણ નહોતા કરી શક્યા. કોઈ કૉન્ટૅક્ટ ન થતાં ખાસ કરીને જેમની અપૉઇન્ટમેન્ટ હતી એ  મિસ થઈ રહી હતી. બીજી ઑફિસનો લોગ-ઇન ટાઇમ થઈ ગયો હતો. તેઓ ટ્રેનમાં જ અટવાઈ ગયા હોવાથી અકળાઈ ગયા હતા. 

એન્ટ્રી રોકવી પડી

ટ્રેનની અવરજવર બંધ થતાં મેટ્રો સ્ટેશનોએ પ્લૅટફૉર્મ અને કૉન્કૉર્સ વિસ્તારો પર ભીડ ઊમટી પડી હતી. સૂત્રોએ જણાવ્યા મુજબ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર કૉન્કૉર્ડ એરિયામાં ભારે ભીડ થઈ જતાં સાવચેતીના પગલારૂપે થોડા સમય માટે એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી.

શું મેટ્રો રીફન્ડ આપશે?

અનેક અકળાયેલા મુસાફરો જેઓ ટ્રેન પ્લૅટફૉર્મ પર આવે એની રાહ જોતા ઊભા હતા તેમણે તો સોશ્યલ મીડિયા પર રીતસરનો હોબાળો મચાવ્યો હતો કે અમે તો ટિકિટ કઢાવી છે, પણ તમારી ટ્રેનો જ નથી દોડી તો શું અમને રીફન્ડ આપશો? 

MMRCLનો ખુલાસો

મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ટેક્નિકલ ખામીને કારણે આરેથી કોલાબા આવતી અને જતી એમ બન્ને રૂટ પર ટ્રેનમાં ડિલે થયું હતું. ત્યાર બાદ ખામીને સુધારી લેવામાં આવી છે અને રેગ્યુલર ટ્રેન પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. અમે પ્રવાસીઓને પડેલી હાડમારી બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ.’

જોકે તેમણે ટેક્નિકલ ખામીના પ્રકાર કે ડિલેના સમયનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો.

માહિતીનો અભાવ

પ્રવાસીઓએ મેટ્રોના અધિકારીઓ પર સમયસર અપડેટ્સ શૅર ન કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્ટેશનો અને ટ્રેનોમાં ફસાયા બાદ મુસાફરોએ સોશ્યલ મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે ટ્રેન શા માટે અટકી છે એનું કારણ અથવા કામગીરી ફરી શરૂ કરવા ટેન્ટિટિવ કેટલો સમય લાગશે એ વિશે મેટ્રો ઑથોરિટી દ્વારા કોઈ સ્પષ્ટતા કે માહિતી જાહેર કરવામાં આવી નહોતી.

mumbai metro mumbai metro rail corporation ltd mmrcl aarey colony cuffe parade mumbai mumbai news