ઍરપોર્ટના પાર્કિંગમાં મર્સિડીઝના ડ્રાઇવરે પાંચ જણને અડફેટે લીધા

03 February, 2025 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મર્સિડીઝ કારના ડ્રાઇવરે સ્પીડબ્રેકર પરથી ઊતરતી વખતે કારની બ્રેક દબાવવાને બદલે ભૂલમાં એક્સેલરેટર દાબી દઈ પાંચ જણને અડફેટે લીધા હતા.

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મર્સિડીઝના ડ્રાઇવરે પાંચ જણને અડફેટે લીધા હતા અને કાર રેલિંગ સાથે અથડાવી હતી ત્યાર બાદની કારની કન્ડિશન.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે પાર્કિંગ-ઝોનમાં અકસ્માત થયો હતો. મર્સિડીઝ કારના ડ્રાઇવરે સ્પીડબ્રેકર પરથી ઊતરતી વખતે કારની બ્રેક દબાવવાને બદલે ભૂલમાં એક્સેલરેટર દાબી દઈ પાંચ જણને અડફેટે લીધા હતા.

નવી મુંબઈની એક હોટેલમાંથી પૅસેન્જરને મૂકવા હોટેલની મર્સિડીઝ લઈને ડ્રાઇવર ઍરપોર્ટ આવ્યો હતો. પૅસેન્જરને મૂકીને તે પાછો ફરી રહ્યો હતો ત્યારે  ટર્મિનલ-ટૂના પાર્કિંગમાં ડ્રાઇવરે સ્પીડબ્રેકર પરથી ઊતરતી વખતે આ અકસ્માત કર્યો હતો, જેમાં ચેક રિપ​બ્લિકના બે પ્રવાસી અને ત્રણ ક્રૂ-મેમ્બર ઘાયલ થયા હતા. ચેક રિપ​બ્લિકના ઘવાયેલા બન્ને નાગરિકોને નાણાવટી હૉસ્પિટલમાં, જ્યારે ત્રણ ક્રૂ-મેમ્બર્સને વિલે પાર્લેની કૂપર હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બાબતે સહાર પોલીસને જાણ કરવામાં આવતાં સહાર પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી હતી અને મર્સિડીઝ પણ તાબામાં લીધી હતી. જોકે પ્રાથમિક તપાસમાં તેણે કાર ચલાવતી વખતે દારૂ પીધો નહોતો એવું જણાઈ આવ્યું હતું.

mumbai airport chhatrapati shivaji international airport road accident nanavati hospital mumbai police news mumbai mumbai news