29 September, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિતુ તાવડે
૧૪ ફુટથી વધુ ઊંચાઈ ધરાવતાં ઝૂંપડાં પર કાર્યવાહી કરવાની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની પ્રસ્તાવિત ઝુંબેશ સામે શિવસેના (UBT)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યા બાદ મુંબઈનાં મેયર રિતુ તાવડેએ સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે BMCની જનરલ બૉડીમાં ચર્ચા કર્યા વિના કોઈ અંતિમ નિર્ણય નહીં લેવાય. તેમણે મુંબઈગરાનાં ઘર તોડવાના કોઈ પણ પગલાનો વિરોધ કરવાની ખાતરી આપી હતી.
ઝૂંપડાં તોડવાને બદલે સંરક્ષણ આપો : આદિત્ય ઠાકરે
આદિત્ય ઠાકરેએ ૨૬ સપ્ટેમ્બરે પત્ર લખીને જણાવ્યું હતું કે ‘BMC દ્વારા ૯ ઑક્ટોબરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી ૧૪ ફુટ કે એથી ઊંચાં ઝૂંપડાં ખાલી કરાવવાની ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. મુંબઈમાં વસ્તી અને પરિવારો વધતાં લોકોએ ગ્રાઉન્ડ પ્લસ વન માળખાનાં ઝૂંપડાં બનાવ્યાં છે. એમને ગેરકાયદે ગણીને ખાલી કરાવવા કે તોડી પાડવાં અન્યાયી છે. એક તરફ ઑક્યુપેશન સર્ટિફિકેટ વિનાનાં બિલ્ડિંગોને નિયમિત કરવાની યોજના લવાય છે, પરંતુ બિલ્ડર માફિયાઓ સામે પગલાં લેવાતાં નથી; જ્યારે સામાન્ય નાગરિકોનાં ઘર પર બુલડોઝર ચલાવવાની તૈયારી ચાલે છે. આ ઘરો તોડવાને બદલે એમને સંરક્ષણ આપવું જોઈએ.’
મેયરનો જવાબ
મેયર રિતુ તાવડેએ જણાવ્યું હતું કે ‘આ મામલો BMCની જનરલ બૉડી મીટિંગમાં ચર્ચાશે. મહાયુતિ સરકાર તરફથી હું સ્પષ્ટ કરવા માગું છું કે અમે લોકોનાં ઘર બચાવવા માટે છીએ, તોડવા માટે નહીં. વહીવટી તંત્ર દ્વારા ઘરો તોડવાનો કોઈ નિર્ણય લેવાશે તો હું એનો સખત વિરોધ કરીશ.’