મુલુંડના કાલિદાસ કૉમ્પ્લેક્સમાં ગેરકાયદે બાંધકામ તોડવાનો મેયરે આપ્યો આદેશ

16 May, 2026 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિરીટ સોમૈયાએ લગાવેલા ગંભીર આરોપ પછી લેવામાં આવી ઍક્શન

કાલિદાસ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવેલું બાંધકામ (ડાબે), કિરીટ સોમૈયા, મેયર રિતુ તાવડે, મનોજ કોટક અને મિહિર કોટેચાએ કાલિદાસ કૉમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી

BJPના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયા દ્વારા મુલુંડના કાલિદાસ સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સ અને અંધેરીના શહાજી રાજે સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સને એક ખાનગી કંપની ધનરાજ હૉસ્પિટૅલિટીને ૧૫ વર્ષ માટે નજીવા દરે પધરાવી દેવાયાં હોવાના ગંભીર આરોપ બાદ રાજકીય ગરમાટો આવ્યો છે. આ બાબતે ગઈ કાલે મુંબઈનાં મેયર રિતુ તાવડેએ ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા, મનોજ કોટક અને મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા સાથે કાલિદાસ કૉમ્પ્લેક્સની પ્રત્યક્ષ મુલાકાત લઈને સમગ્ર સંકુલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ત્યાંની વર્તમાન સ્થિતિ જોઈને મેયરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કાલિદાસ સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવેલાં તમામ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ તેમણે આ ગેરરીતિમાં સામેલ સંબંધિત અધિકારીઓ અને કૉમ્પ્લેક્સ પર ગેરકાયદે કબજો કરનારાઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન ​રિપોર્ટ (FIR) નોંધવાનો કડક નિર્દેશ પણ આપ્યો હતો. ૩ દિવસ પહેલાં એક પોલીસ-અધિકારીની પુત્રીનાં લગ્ન બાદ આ વિવાદ ગાજ્યો હોવાનું કહેવાય છે.

શું હતી ઘટના?

BJPના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ બુધવારે પત્રકાર-પરિષદ યોજીને ગંભીર આક્ષેપ કર્યો હતો કે ૧૯૯૦માં લલિત કલા પ્રતિષ્ઠાન હેઠળ સ્થાપવામાં આવેલા મુલુંડના કાલિદાસ અને અંધેરીના શહાજી રાજે કૉમ્પ્લેક્સનો મૂળ હેતુ નાગરિકો માટે કલા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પૂરો પાડવાનો હતો; પરંતુ ૨૦૨૧માં સત્તાનો દુરુપયોગ કરીને BMCની આશરે ૨૦ એકર જેટલી વિશાળ જમીન ખાનગી કૉન્ટ્રૅક્ટરને પધરાવી દેવામાં આવી છે. આ મામલે તેમણે ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર અને ઉદ્ધવ ઠાકરે જૂથ પર ૧૦૦ કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો આરોપ લગાવતાં જણાવ્યું હતું કે આ વ્યવહારથી માત્ર BMCની તિજોરીને જ નુકસાન નથી થયું, સામાન્ય નાગરિકોના હક પર પણ તરાપ મારવામાં આવી છે. આ મામલે તેમણે મુંબઈનાં મેયર અને મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરી હોવાનો પણ દાવો કર્યો હતો.

મેયરે લીધી કાલિદાસની મુલાકાત

પત્રકારો સાથે વાત કરતાં મેયર રિતુ તાવડેએ આકરા વલણ સાથે કહ્યું હતું કે ‘કાલિદાસ કૉમ્પ્લેક્સમાં ૧૫ વર્ષ માટે આપવામાં આવેલો આ કૉન્ટ્રૅક્ટ સંપૂર્ણપણે ગેરકાયદે છે. સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની જગ્યામાં વિવિધ બૅન્ક્વેટ હૉલ અને હોટેલ પણ બનાવી દેવામાં આવ્યાં છે. BMCના સ્થાનિક અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે અહીં ખોટી રીતે બાંધકામ થયું છે. આ મામલે મેં ગેરકાયદે દબાણ કરનારાઓ સામે FIR નોંધવાનો અને બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.’

શું કહેવું છે ધનરાજ હૉસ્પિટૅલિટીનું?

આ વિવાદમાં સંડોવાયેલી ધનરાજ હૉસ્પિટૅલિટીના માલિક ધનરાજ ખોનાએ ‘મિડ-ડે’ કહ્યું હતું કે કાયદેસરની ટેન્ડર-પ્રક્રિયા દ્વારા જ અમે આ કૉન્ટ્રૅક્ટ મેળવ્યો છે અને તમામ બાંધકામ નિયમો મુજબ જ છે.

mulund kirit somaiya bharatiya janata party mumbai mayor ritu tawde mumbai mumbai news