13 May, 2023 09:50 AM IST | Mumbai | Anurag Kamble
ચર્ની રોડ ખાતેની ઈટરી બૅચલર્સ (ફાઇલ તસવીર)
દિક્ષણ મુંબઈમાં આવેલી લોકપ્રિય ઈટરી બૅચલર્સની સામે પાર્ક કરવામાં આવતાં વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતાં એ મુંબઈ પોલીસના નિશાના પર છે. મતલબ કે મુંબઈ પોલીસ બૅચલર્સને તોડવાની તૈયારીમાં છે. પોલીસ પાસે આ ઈટરીનાં તમામ લાઇસન્સ રદ કરીને એને તોડી પાડવાની બીએમસીની લેખિત પરવાનગી છે.
પોલીસે જણાવ્યું હતું કે મરીન ડ્રાઇવ પ્રોમેનેડના એક ભાગ એન. એસ. રોડ પર આવેલી ઈટરી પાસે ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બને છે. આ માર્ગ અમલદારો, રાજકારણીઓ અને પ્રતિનિધિઓ માટે મહત્ત્વનો મનાય છે. પોલીસે દાવો કર્યો હતો કે એની સામે થતું પાર્કિંગ ટ્રાફિક તેમ જ સુરક્ષાની દૃષ્ટિએ પણ જોખમી છે. જોકે આ ઈટરીના માલિકોને એ તોડી પાડવાની ચાલી રહેલી તૈયારીઓ વિશેની જાણ ‘મિડ-ડે’ના પ્રતિનિધિ પાસેથી જ જાણવા મળી હતી.
ખાવાના શોખીનો તેમ જ ચોપાટી ફરવા આવનારાઓમાં મિલ્કશેક, સૅન્ડવિચ અને પિત્ઝા માટે લોકપ્રિય બૅચલર્સની સ્થાપના ૧૯૩૨માં ઓમપ્રકાશ નામની એક વ્યક્તિએ કરી હતી. હવે તેમની ત્રીજી પેઢી એનું સંચાલન કરે છે. જોકે હવે ટૂંક સમયમાં ખોવાના શોખીનોના આ પ્રિય સ્થાન પર બીએમસીનો હથોડો પડવાનો છે.
જેના અધિકાર ક્ષેત્ર હેઠળ આ ઈટરી આવે છે એ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશને એની સામે તેમ જ રસ્તા પર પાર્ક થતાં વાહનોને અટકાવવા ઈટરી સામે બૅરિકેડ્સ લગાવવા સહિતનાં અનેક પગલાં લીધા છે. જોકે હવે પોલીસ અધિકારીઓએ એને શક્ય એટલી જલદી તોડી પાડવા જણાવતો પત્ર બીએમસીને લખ્યો છે.
ઈટરીના માલિક આદિત્ય અગ્રવાલે કહ્યું હતું કે ‘બીએમસી દ્વારા કરવામાં આવનારી આ કાર્યવાહી વિશે હું પહેલી વાર સાંભળી રહ્યો છું. અમારી ઈટરી ૯૦ વર્ષ કરતાં વધુ જૂની છે. અચાનક એ ટ્રાફિક માટે જોખમી કઈ રીતે પુરવાર થઈ એ જ જણાતું નથી. ટ્રાફિકની સમસ્યા છે, પરંતુ એ ચાલી રહેલા કોસ્ટલ રોડના કામ તથા રાહદારીઓને કારણે છે. એ માટે અમને જવાબદાર ઠરાવવા યોગ્ય નથી.’
છેલ્લાં બાવીસ વર્ષથી ઈટરીમાં હિસાબનું કામ સંભાળતા રાજેશ બોંદેએ કહ્યું હતું કે જો આ ઈટરી તોડી પાડવામાં આવશે તો મારી સાથે ૨૦ કરતાં વધુ લોકો બેરોજગાર બની જશે.