12 June, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચેમ્બુર પાસે ઓવરહેડ વાયરમાં ખામી સર્જાતા હાર્બર લાઇન ટ્રેન સેવા મોડી પડી (તસવીર સૌજન્યઃ મિડ-ડે)
શુક્રવારે સવારના વ્યસ્ત સમયે મુંબઈ (Mumbai)ની હાર્બર લાઇન (Harbour Line) પર ઉપનગરીય ટ્રેન સેવાઓ ખોરવાઈ (Harbour Line train services delayed) ગઈ હતી. ચેમ્બુર (Chembur) પાસે ઓવરહેડ વાયરમાં ખામી સર્જાતા હાર્બર લાઇન ટ્રેન સેવા આજે સવારે મોડી પડી હતી. જોકે, થોડાક સમયમાં ટ્રેન વ્યવહાર પુનઃસ્થાપિત કરાયો હતો અને ઓફિસ જવા નીકળેલા મુંબઈકર્સની ગાડી ફરી પાટે ચડી હતી.
શુક્રવારે સવારના પીક અવર્સમાં મુંબઈની હાર્બર લાઇન પર મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો (Mumbai Local Train Updates) કરવો પડ્યો હતો. ચેમ્બુર સ્ટેશન નજીક ઓવરહેડ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો અને લોકલ ટ્રેનો મોડી પડી હતી.
ચેમ્બુર સ્ટેશન નજીક ઓવરહેડ ઇક્વિપમેન્ટ (Overhead Equipment - OHE) પર એક અજાણ્યો વાયર લટકતો મળી આવતાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકલ ટ્રેનો મોડી પડી હતી. આ ખામી સવારે ૯:૧૦ વાગ્યે ચેમ્બુર સ્ટેશન નજીક અપ લાઇન પર કિલોમીટર માર્કર ૧૭/૨૨૫ પાસે મળી આવી હતી. સુરક્ષાના પગલા રૂપે, કોઈ સંભવિત હોનારત ન થાય તે માટે ચેમ્બુર સ્ટેશન પાર કર્યા પછી ટ્રેન PL40ને રોકી દેવામાં આવી હતી.
જો કે, ચેમ્બુર સ્ટેશન નજીક લટકતા વાયરને હટાવીને અને ઓવરહેડ ઇક્વિપમેન્ટને કામગીરી માટે સુરક્ષિત જાહેર કર્યા બાદ, સવારે ૯:૫૨ વાગ્યે આ અસરગ્રસ્ત રૂટ પર ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો હતો.
લોકલ ટ્રેનોને પાવર સપ્લાય કરતી હાઈ-વોલ્ટેજ ઈલેક્ટ્રિક સિસ્ટમ (OHE) પર આ લટકતો વાયર જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે સત્તાવાળાઓએ તાત્કાલિક મેન્ટેનન્સ ટીમોને એલર્ટ કરી દીધી હતી, જેઓ ખામીની તપાસ કરવા અને તેને સુધારવા માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આ ઘટનાને કારણે સવારના વ્યસ્ત સમયે હાર્બર લાઇનની સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના લીધે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (Chhatrapati Shivaji Maharaj Terminus - CSMT) તરફ મુસાફરી કરતા હજારો દૈનિક પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
રેલવે સત્તાવાળાઓએ મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને પ્રભાવિત સેક્શનમાં ટ્રેનોની અવરજવર પર અસ્થાયી રૂપે નિયંત્રણ મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં જ મેન્ટેનન્સ સ્ટાફે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી અને ટૂંક સમયમાં જ અવરોધ હટાવીને સેવાઓ પૂર્વવત કરી દીધી હતી.
જો કે આ અવરોધ ખૂબ જ ટૂંકા સમય માટે રહ્યો હતો, પરંતુ તે દિવસના પીક અવર્સ)દરમિયાન સર્જાયો હતો, જ્યારે હજારો મુસાફરો નોકરી-ધંધા અને દૈનિક મુસાફરી માટે હાર્બર લાઇન પર નિર્ભર હોય છે.
ટ્રેનો મોડી પડી હોવાના અહેવાલો હતા, પરંતુ રેલવેની ટીમો દ્વારા લેવાયેલા તાત્કાલિક એક્શનના કારણે પરિસ્થિતિ વધુ બગડતા અટકી ગઈ હતી. ટ્રેનોને ફરીથી શરૂ કરવાની લીલી ઝંડી મળ્યા બાદ સેવાઓ ધીમે-ધીમે સામાન્ય થઈ ગઈ હતી.
મુંબઈ લોકલના સમયપત્રક પર આવી નાની ખામીઓની પણ મોટી અસર ન પડે તે માટે, રેલવે અધિકારીઓ દ્વારા ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સેક્શનનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.