07 February, 2026 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વેસ્ટર્ન રેલવેમાં પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ ચાલી રહ્યું છે. એ કામને ગતિ આપવા બાંદરા અને ખાર વચ્ચેનો હાર્બર લાઇનનો બ્રિજ તોડીને નવો બનાવવો પડે એમ છે. એથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ગોરેગામ જતી હાર્બર લાઇન બંધ રાખીને ૩ મહિનાનો બ્લૉક રાખવાનો નિર્ણય રેલવે-પ્રશાસને લીધો છે.
હાલ બાંદરા અને બોરીવલી વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામ થયું છે, પણ બાંદરાથી સાંતાક્રુઝ દરમ્યાન જરૂર પૂરતી જગ્યા ન હોવાથી એ કામ રખડ્યું છે. ખાસ કરીને ગીચ વસ્તી, જૂનાં મકાનો અને અપૂરતી જગ્યાને લીધે આ પટ્ટામાં મુશ્કેલીઓ આવી રહી છે એમ રેલવે-ઑફિસરનું કહેવું છે.
આ આખો પ્રોજેક્ટ વેસ્ટર્ન રેલવે માટે બહુ જ મહત્ત્વનો છે. એના માટે અંદાજે ૯૬૪.૮૪ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ પ્રોજેક્ટ ૨૦૨૭ સુધીમાં પૂરો કરવાનો છે. પ્રોજેક્ટ પત્યા પછી વિરાર-ચર્ચગેટ લોકલની સ્પીડ પણ વધી જશે અને એનું ટાઇમ-ટેબલ પણ બદલાશે. પ્રવાસીઓને વધુ સારી રીતે પ્રવાસ કરવા મળી શકશે એમ વેસ્ટર્ન રેલવેનું કહેવું છે.
જોકે હકીકત એ છે કે આ પ્રોજેક્ટ માટે સૌથી મોટી આડખીલી જમીન મેળવવાની છે. મહાલક્ષ્મી અને લોઅર પરેલ વચ્ચેની શક્તિ મિલની ૮૮.૫૭૩ ચોરસ મીટર જમીન આ પ્રોજેક્ટ માટે જરૂરી છે. હાલ એ જમીનનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એટલે એ ભાગમાં ડિલે થઈ રહ્યું છે.
એ સિવાય બાંદરા-ઈસ્ટના ગરીબનગર વિસ્તારના અંદાજે ૧૫૫ પરિવારોનું પુનર્વસન પણ આ પ્રોજેક્ટ માટે કરવું પડે એમ છે. આ પરિવારોનું યોગ્ય પુનર્વસન કર્યા સિવાય આગળનું કામ કરવું શક્ય નથી એથી સામાજિક અને પ્રશાસન સ્તરે આ મોટી ચૅલેન્જ રેલવે સામે છે.
૩ મહિના સુધીનો લાંબો બ્લૉક લેવાનો હોવાથી રોજ હાર્બર લાઇનમાં પ્રવાસ કરનારા અનેક મુંબઈગરાઓને એને કારણે હાડમારી ભોગવવી પડે એમ છે. એથી મેઇન લાઇનમાં પ્રવાસ કરવાની છૂટ, સ્પેશ્યલ વધારાની સર્વિસિસ અને BEST દ્વારા વધુ બસ દોડાવીને એ પ્રવાસીઓને વિકલ્પ આપવા પર હાલ વિચારણા ચાલી રહી છે.