વહેલા વરસાદને કારણે મલેરિયા, ડેન્ગી અને ચિકનગુનિયાના કેસમાં વધારો

30 June, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યમાં મલેરિયા, ડેન્ગી અને ચિકનગુનિયાના કેસમાં મુંબઈ મોખરે છે. રાજ્યના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ આ રોગોના ૭૪૦૦થી વધુ કેસ નોંધાયા છે જેમાં કોઈએ જીવ ગુમાવ્યો હોવાનું નોંધાયું નથી.

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં ચોમાસું વહેલું શરૂ થતાં મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. રાજ્યમાં મલેરિયા, ડેન્ગી અને ચિકનગુનિયાના કેસમાં મુંબઈ મોખરે છે. રાજ્યના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટા મુજબ આ રોગોના ૭૪૦૦થી વધુ કેસ નોંધાયા છે જેમાં કોઈએ જીવ ગુમાવ્યો હોવાનું નોંધાયું નથી.

મુંબઈમાં મલેરિયાના ૨૩૧૪ કેસ, ડેન્ગીના ૩૯૫ કેસ અને ચિકનગુનિયાના ૧૧૯ કેસ નોંધાયા છે. ૨૦૨૪માં આ સમયગાળામાં મુંબઈમાં મચ્છરજન્ય રોગોના કેસની સંખ્યા ૧૭૭૪ હતી તેમ જ ચિકનગુનિયાના માત્ર ૨૧ કેસ હતા.

પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમુક જગ્યાએ વરસાદનું પાણી ભરાયેલું છે, ગટરો ઊભરાઈ રહી છે અને ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કચરો અને ભંગાર પડેલો હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેને ડામવા માટે દવાનો છંટકાવ તો કરવામાં આવે છે અને સાથે મુંબઈ અને પુણે જેવા હાઇરિસ્ક વિસ્તારોમાં મચ્છરનાં ઈંડાં ખાતી ગેમબુસા માછલીઓને પણ પાણીનાં ખાબોચિયાંમાં મૂકવામાં આવી છે.’

આ ઉપરાંત પરિસર સ્વચ્છ ન રાખનાર રહીશો અને કન્સ્ટ્રક્શન સાઇટ પાસેથી ૩.૫ લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

mumbai health tips dengue malaria mumbai news news monsoon news mumbai monsoon Weather Update mumbai weather