12 June, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર
ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર અને વિધાનસભ્ય આશિષ શેલારે કહ્યું હતું કે ‘હું વર્ષોથી ગણેશપૂજા, ગણેશોત્સવ સાથે સંકળાયેલો છું. મૂર્તિકારોના પડખે રહ્યો છું. કાયદામાં પ્રતિકૂળ હોય એવી પરિસ્થિતિમાં પણ કાયદેસરનો માર્ગ કાઢી સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બૉર્ડ (CPCB)એ આપેલા રિપોર્ટ અને રાજ્ય સરકારે રાજીવ ગાંધી સાયન્સ ટેક્નૉલૉજીકલ કમિશન કે જે માનનીય કાકોડકર સાહેબની અધ્યક્ષતા હેઠળ ચાલતું હતું એના રિપોર્ટને કારણે આજે PoPની મૂર્તિ બનાવવા પર જે બંધી હતી એ ઉઠાવી લેવાઈ છે. હવે ગણપતિની PoPની મૂર્તિ બનાવવા પર, એને ડિસ્પ્લે કરવા પર, એના વેચાણ કરવા પર કોઈ પ્રકારની બંધી નથી. એ જ રીતે એના વિસર્જન પર પણ બંધી નથી, પણ એનું વિસર્જન કરવાની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. નાની મૂર્તિઓ સંદર્ભે તો મુંબઈ અને અન્ય મોટાં શહેરોમાં કૃત્રિમ તળાવ બનાવીને એમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે એથી હવે એનો પણ કોઈ મુદ્દો રહેતો નથી.’
જે મોટાં ગણેશોત્સવ મંડળો છે એમની મોટી મૂર્તિઓના વિસર્જનની વ્યવસ્થા માટે રાજ્ય સરકાર શું ધોરણ અપનાવવાની છે એની કોર્ટમાં રજૂઆત કરવાની છે એમ જણાવતાં આશિષ શેલારે કહ્યું હતું કે ‘નૈસર્ગિક જળસ્રોત પ્રદૂષિત ન થાય એમ અમે બધા જ ઇચ્છિએ છીએ. કાકોડકર સમિતિએ સમુદ્રમાં વિસર્જન થઈ શકે એવો નિષ્કર્ષ આપ્યો છે. અમે એને લઈને આગળની લડાઈ લડવાના છીએ. અમે આ બાબતે રાજ્ય સરકારને વિનંતી કરીશું, જરૂર પડશે તો CPCBને પણ રજૂઆત કરીશું, જરૂર પડશે તો કોર્ટમાં પણ જઈ મોટા ગણેશોત્સવનો માર્ગ અમે ક્લિયર કરવાનો પ્રયાસ કરીશું. કાકોડકર સમિતિના અહેવાલમાં કહેવાયું છે એ અમે કોર્ટમાં સબમિટ કર્યું છે. CPCBએ પણ એના પર પોતાનો મત જણાવતાં અમારો અને સમિતિની રજૂઆતનો વિચાર કર્યો છે. એથી કોર્ટે હવે આ બાબતે રાજ્ય સરકારનું શું કહેવું છે એ જણાવવા કહ્યું છે અને આમ કહી એક તક આપી છે. એનો અમે જવાબ આપીશું.’