મુંબઈ દેશની ધડકન છે

20 January, 2023 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના હિન્દીભાષી નાગરિકોને ધ્યાનમાં રાખીને પીએમ સ્વનિધિ યોજનાનું લોકાર્પણ કરીને નરેન્દ્ર મોદીએ મુંબઈ બીએમસીનું રણશિંગું ફૂંક્યું

રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ આવવા બદલ મોદીનો આભાર માન્યો હતો (તસવીર : સમીર સૈયદ અબેદી)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુંબઈની મુલાકાત દરમ્યાન મેટ્રોના બીજા તબક્કાની લાઇનોના લોકાર્પણથી લઈને કૉન્ક્રીટના રસ્તા, એસટીપી પ્લાન્ટ, હૉસ્પિટલ, સીએસટીએમ રેલવે સ્ટેશનનું રીવૅમ્પ સહિતનાં મળીને કુલ ૩૮,૮૦૦ કરોડ રૂપિયાનાં કામોનું ભૂ‌‌મિપૂજન કર્યું હતું. જોકે પીએમ મોદીની મુંબઈની મુલાકાતમાં ઊડીને આંખે વળગે એવી બાબત એ હતી કે તેમણે મુંબઈમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના હિન્દીભાષી નાગરિકોને મુંબઈના વિકાસમાં સાથ આપવાની અપીલ કરી હતી. વડા પ્રધાને તેમના ભાષણમાં રસ્તામાં કામધંધો કરતા આ લોકો અત્યારની કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિનની સરકાર સાથે રહેશે તો મુંબઈમાં તેમના સહિત તમામ મુંબઈગરાઓને બેથી ત્રણ વર્ષમાં વર્લ્ડ ક્લાસ સુવિધા મળશે. બીજા શબ્દોમાં કહીએ તો પીએમ મોદીએ આડકતરી રીતે તેમને મુંબઈ બીએમસીની ચૂંટણીમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પર વિશ્વાસ રાખીને સહયોગ કરવાનો મેસેજ આપ્યો હતો. આમ કરીને તેમણે મુંબઈ બીએમસીની ચૂંટણી માટેનું રણશિંગું ફૂંકવાની સાથે વિકાસની આડે આવતા વિરોધી પક્ષો પર પ્રહાર કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીકેસીમાં આવેલા એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવેલા મુંબઈની વિવિધ વિકાસયોજનાના ભૂમિપૂજનના કાર્યક્રમ બાદ ૨૮ મિનિટનું ટૂંકુ ભાષણ કર્યું હતું. વડા પ્રધાને આ સમયે મુંબઈમાં રસ્તામાં બેસી કે ફરીને તેમ જ નાની દુકાનોમાં ધંધો કરતા લોકો પર ફોકસ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ટૂંક સમયમાં જ દેશભરમાં પીએમ સ્વનિધિ યોજનામાં ૩૫ લાખ લોકોએ લાભ લીધો છે. મહારાષ્ટ્રમાં પણ અત્યાર સુધીમાં પાંચ લાખ લોકો આ યોજનામાં જોડાયા છે. જોકે મહારાષ્ટ્રમાં વચ્ચેના કાળમાં ડબલ એન્જિનની સરકાર નહોતી એટલે આ યોજના આગળ નહોતી વધી શકી. હવે જ્યારે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર છે ત્યારે છ મહિનામાં અનેક લોકોપયોગી કામ ખૂબ જ ઝડપથી આગળ વધારાયાં છે. આથી કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સુધરાઈમાં એક જ વિચારધારાની સત્તા હશે તો આગામી ત્રણેક વર્ષમાં મુંબઈની કાયાપલટ થઈ જશે.’ વડા પ્રધાને મરાઠીમાં ભાષણની શરૂઆત કરી હતી.

ગઈ કાલે બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં મુંબઈગરાઓ આવી પહોંચ્યા હતા

ડબલ એન્જિનમાં મુંબઈને જોડવું જરૂરી

વડા પ્રધાને કહ્યું હતું કે ‘સ્વતંત્રતા બાદ પહેલી વખત ભારત મોટાં સપનાં જોવાનું અને એને પૂરાં કરવાનું સાહસ કરી રહ્યું છે. દાયકાઓ સુધી આપણે ગરીબીનાં રોદણાં રડતાં હતાં અને દુનિયા સામે મદદનો હાથ લંબાવતા હતા. જોકે છેલ્લાં સાતેક વર્ષમાં પરિસ્થિતિમાં ધરમૂળથી બદલાવ થયો છે જેની નોંધ દુનિયા લઈ રહી છે. દાવોસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને થયેલા અનુભવની વાત અહીં કરી. આજે દુનિયાભરના નેતાઓ ભારત તરફ નજર દોડાવીને માનથી જોઈ રહ્યા છે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે દરેક નાગરિકને સરકારની યોજનાનો લાભ મળે અને વિકાસને ગતિ મળે. મુંબઈની વાત કરીએ તો એ દેશની ધડકન છે, પણ અહીં થવો જોઈએ એવો વિકાસ અને સુવિધા ઊભી કરવાને બદલે બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રૂપિયા મૂકવામાં આવ્યા છે. દરેક મુંબઈગરાને વર્લ્ડ ક્લાસ સુવિધા મળે એ માટેના પ્રયાસ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર કરી રહી છે. કેન્દ્ર સરકાર મુંબઈના વિકાસ માટે રૂપિયાની કમી નહીં પડવા દે. મુંબઈ સહિતનાં શહેરોનું કમ્પ્લીટ ટ્રાન્સફૉર્મશન કરવાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈમાં ધારાવી અને બેઠી ચાલના રીડેવલપમેન્ટ પર રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ કામ આગળ વધ્યા બાદ ત્રણેક વર્ષમાં મુંબઈની કાયાપલટ થઈ જશે. તમે ૧૦ કદમ આગળ વધશો તો હું ૧૧ કદમ ચાલવા તૈયાર છું. આથી કેન્દ્ર અને રાજ્ય સરકારનું ડબલ એન્જિન સાથે રહેશે તો મુંબઈને વર્લ્ડ ક્લાસ શહેર બનતાં કોઈ રોકી નહીં શકે.’

ટીકાનો જવાબ દસગણું કામ કરીને આપીશું : એકનાથ શિંદે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બીકેસીમાં આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાનની હાજરીમાં કહ્યું હતું કે ‘છ મહિનામાં આ સરકારે હાથ ધરેલાં કામથી વિરોધીઓ પરેશાન થઈ ગયા છે. બે વર્ષ આવી જ રીતે કામ કરીશું તો શું થશે? એવો સવાલ તેમને સતાવી રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વડા પ્રધાનના હાથે નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઇવેના પહેલા તબક્કાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી રાજ્યની સમૃદ્ધિનાં દ્વાર ખૂલી ગયાં છે. આજે વડા પ્રધાન મુંબઈનું ભાગ્ય ખોલવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. તેઓ દેશના પહેલા એવા વડા પ્રધાન છે જેમણે કોઈ કામનું ભૂમિપૂજન કર્યું હોય અને એનું લોકાર્પણ પણ કરી રહ્યા છે. મુંબઈની કાયાપલટ કરવા માટેનું બીજું સપનું આજે સાકાર બનવા જઈ રહ્યું છે. છ મહિનાની સરકાર જનતાને લાભ થાય એ માટેનાં એક પછી એક કામ કરી રહી હોવા છતાં વિરોધીઓ ટીકા કરી રહ્યા છે. વડા પ્રધાનના આશીર્વાદથી રાજ્યના વિકાસનાં કામ અમે કરતા રહીશું અને ટીકા કરાશે એની સામે દસગણું કામ કરીને જવાબ આપીશું. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્તરે સત્તા હોય તો ઝડપથી નિર્ણય લઈને વિકાસનાં કામ થઈ શકે છે.’

વિકાસને બદલે એફડી કરીને ઘર ભર્યાં : દેવેન્દ્ર ફડણવીસ

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે ‘૨૦થી ૨૫ વર્ષ અહીં રાજ કરનારાઓએ મુંબઈગરાઓ માટે સુવિધાઓ ઊભી કરવાને બદલે હજારો કરોડ રૂપિયા એફડીમાં મૂકવાની સાથે પોતાનું ઘર ભરવાનું કામ કર્યું છે. આને લીધે મુંબઈગરાઓ કરોડો રૂપિયા ટૅક્સ ચૂકવતા હોવા છતાં તેમણે ખાડાવાળા રસ્તાથી લઈને પીવાના અને વાપરવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં દરરોજ લાખો લિટર ગંદું પાણી ગટરમાં વહીને સમુદ્રમાં છોડવામાં આવે છે. પાણીને શુદ્ધ કરવા માટેની સ્ટેમ યોજના ૨૦૦૪થી ધૂળ ખાય છે. બીએમસી આ યોજના આગળ વધારવા માગતી હતી, પરંતુ એ માટેનાં ધોરણો તૈયાર નહોતાં. આથી મેં વડા પ્રધાનને આ વિશે વાત કરી હતી. તેમણે એક વર્ષમાં ધોરણો તૈયાર કરાવડાવીને આપ્યાં હતાં. જોકે એ સમયની રાજ્ય સરકાર ચોક્કસ કારણસર આ યોજનાને આગળ નહોતી વધારતી. હવે એકનાથ શિંદેની આગેવાનીની સરકારે ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈમાં એકસાથે સાત એસટીપી પ્લાન્ટ બનાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. વિરોધીઓ રસ્તાના કામમાં દુકાનદારી ચલાવતા હતા એટલે તેઓ સિમેન્ટના રસ્તાનો વિરોધ કરી રહ્યા છે. જોકે હવે એવું નહીં થાય. આગામી બેથી અઢી વર્ષમાં મુંબઈગરાઓને ખાડામુક્ત રસ્તાઓ મળશે.’

સ્વાગત માટેની કમાન તૂટી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીકેસી ગ્રાઉન્ડ્સમાં પહોંચ્યા એના થોડા સમય પહેલાં તેમના સ્વાગત માટે રસ્તામાં ઊભી કરવામાં આવેલી કમાન તૂટી પડી હતી. ભારત ડાયમન્ડ બુર્સની સામેના રસ્તામાં આ કમાન ઊભી કરવામાં આવી હતી. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા નહોતી પહોંચી અને પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યકરોની મદદથી તૂટી પડેલી કમાનને હટાવી હતી.

મોદીને નીચા દેખાડવાનો પ્રયાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાતે ગઈ કાલે આવ્યા હતા ત્યારે દક્ષિણ મુંબઈના ગિરગામ વિસ્તારમાં નરેન્દ્ર મોદી બાળાસાહેબ સમક્ષ માથું ઝુકાવીને અભિવાદન કરતા હોય એવાં બૅનર લગાવીને તેમને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બૅનર ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બીજેપીએ બાળાસાહેબ ઠાકરેને હાઇજૅક કર્યા હોવાનું કહેવાય છે ત્યારે પીએમ મોદીનો બાળાસાહેબ સાથેનો ફોટો ચર્ચાનો વિષય બન્યો હતો. બૅનરમાં મૂકવામાં આવેલો ફોટો બાળાસાહેબ ઠાકરે જ્યારે જીવતા હતા ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માતોશ્રીમાં ગયા હતા ત્યારનો હોવાનું જણાયું હતું. ૨૦૧૨ની ૨૦ નવેમ્બરે નરેન્દ્ર મોદી બાળાસાહેબને મળ્યા હતા ત્યારે તેમણે તેમનો હાથ પકડવાની સાથે માથું ઝુકાવીને અભિવાદન કર્યું હતું. આ ફોટોમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોષી અને ઉદ્ધવ ઠાકરે જૂથના મુખ્ય પ્રવક્તા સંજય રાઉત પણ હતા. પીએમ મોદીના વિરોધીઓ અત્યારે આવા ફોટો બૅનરમાં મૂકીને તેમને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બીજેપીએ બાળાસાહેબને હાઇજૅક કર્યા?

એકનાથ શિંદેની આગેવાનીમાં બીજેપી સાથે યુતિ કરીને રાજ્ય સરકારની સ્થાપના કરવામાં આવ્યા બાદ ગઈ કાલે પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાતે આવ્યા હતા. સામાન્ય રીતે વડા પ્રધાનની કોઈ સ્થળની મુલાકાત હોય ત્યારે તેમના તથા તેમના પક્ષના નેતાઓનાં હોર્ડિંગ્સ, બૅનર કે કટઆઉટ્સ લગાવીને સ્વાગત કરાતું હોય છે. જોકે ગઈ કાલની પીએમની મુંબઈની મુલાકાત દરમ્યાન મુંબઈમાં અનેક સ્થળે બાળાસાહેબ ઠાકરેનાં પણ કટઆઉટ્સ મૂકવામાં આવ્યાં હતાં. આથી એવી ચર્ચા થઈ રહી છે કે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેના આંચકી લીધા બાદ બીજેપીએ બાળાસાહેબ ઠાકરેને હાઇજૅક કરી લીધા છે.

mumbai mumbai news maharashtra shiv sena bharatiya janata party narendra modi devendra fadnavis eknath shinde