28 June, 2026 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સ હેઠળ આવતી પાસપોર્ટ ઑફિસ દ્વારા હવે પાસપોર્ટ અપ્લાય કરનારાઓ માટે સારા સમાચાર છે. મુંબઈની રીજનલ પાસપોર્ટ ઑફિસ દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસપોર્ટ ઍપ્લિકેશન કે એ માટે જરૂરી એવું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ૪૫ દિવસ કરતાં વધુ સમયથી પેન્ડિંગ હોય તો બીજી જુલાઈથી ડાયરેક્ટ પાસપોર્ટ ઑફિસમાં જઈને એ બદલ ઇન્ક્વાયરી કરી શકાશે. મુંબઈમાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા વિદેશભવનમાં પબ્લિક રિલેશન્સ ઑફિસરને મળીને એની રજૂઆત કરી શકાશે. આ માટે પહેલેથી અપૉઇન્ટમેન્ટ લેવાની જરૂર નહીં રહે. વર્કિંગ ડેમાં ફક્ત બુધવાર છોડીને બાકીના દિવસોમાં સવારના નવથી ૧૧ વાગ્યા દરમ્યાન આ ફૅસિલિટી મળી શકશે.
આ જ રીતે વૉક-ઇન ઇન્ક્વાયરી અન્ય કૅટેગરીના પાસપોર્ટ ઍપ્લિકન્ટ પણ કરી શકશે. એમાં ડિપ્લોમૅટિક ઍન્ડ ઑફિશ્યલ પાસપોર્ટ ઍપ્લિકન્ટ, જેઓ પાસપોર્ટની ડિલિવરી વખતે હાજર ન રહ્યા હોય અને પાસપોર્ટ પાછો ગયો હોય એવા ઍપ્લિકન્ટ, ફૉરેન સિટિઝનશિપ મેળવી હોવાથી ઇન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કરવો હોય કે પછી પેન્ડિંગ પાસપોર્ટ ઍપ્લિકેશન ક્લોઝ કરવી હોય તો એ લોકો પણ અપૉઇન્ટમેન્ટ વગર ડાયરેક્ટ પબ્લિક રિલેશન્સ ઑફિસર સાથે મુલાકાત કરી શકશે. એ સિવાય જેમણે ઑલરેડી ઑનલાઇન અપૉઇન્ટમેન્ટ બુક કરી હોય અને પાછળની ડેટ મળી હોય એ લોકો પણ આ ડાયરેકટ મીટિંગની ફૅસિલિટીનો લાભ લઈ શકશે.