31 May, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ૬૦૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એકસાથે અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. એ પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) બનાવી રહી છે, જે માટે હવે એને ૪.૭ લાખ કરોડ રૂપિયાની આર્થિક સહાય મળવાની છે.
MMRમાં આઠ એલિવેટેડ મેટ્રો અને એને જોનારા ચાર કનેક્ટર સહિત કુલ છ મહત્ત્વના પ્રોજેક્ટ બની રહ્યા છે. હાલ જે કામ ચાલુ છે એની જ પ્રોજેક્ટ કૉસ્ટ ૧.૧૮ લાખ કરોડ રૂપિયા છે. એ સિવાય બીજી ચાર મેટ્રો અને એક સાગરી સેતુનું નિર્માણ થવાનું છે. આ બધા પ્રોજેક્ટ પૂરા કરવા MMRDAએ ફાઇનૅન્સનું પ્લાનિંગ કર્યું છે. કુલ ૪.૭ લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાંથી ૧.૩૨ લાખ કરોડ રૂપિયાની આર્થિક મદદ ૨૦૨૪-’૨૫માં મળી છે, જેમાં કેન્દ્ર સરકારના રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન લિમિટેડ (REC), પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન (PFC), હાઉસિંગ ઍન્ડ અર્બન ડેવલપમેન્ટ કૉર્પોરેશન (HUDCO)એ ફાઇનૅન્સ કર્યું હતું; જ્યારે ચાલુ વર્ષમાં વધુ એક લાખ કરોડ રૂપિયાની આર્થિક મદદ મળવાની છે જે મંજૂરીના અંતિમ તબક્કામાં છે.
અન્ય મહત્ત્વના પ્રોજેક્ટ્સ:
વરલી–શિવડી એલિવેટેડ કનેક્ટર
દેહરજી અને સૂર્યા વૉટર પ્રોજેક્ટ
થાણે–બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ
ઑરેન્જ ગેટથી મરીન લાઇન્સ અન્ડરગ્રાઉન્ડ કૉરિડોર
બદલાપુર–કટઈ નાકા એલિવેટેડ કૉરિડોર
સાગરી સેતુનો પ્રોજેક્ટ સૌથી ખર્ચાળ
MMRDAએ ઉત્તન-વિરાર સાગરી સેતુનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે જે માટે ૮૬,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ અપેિક્ષત છે. આ પ્રોજેક્ટને કારણે MMRDAની આર્થિક જરૂરિયાત ૪.૦૭ લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ પ્રોજેક્ટ માટે આર્થિક સહાય મેળવવાની મંજૂરી અંતિમ તબક્કામાં છે.
મેટ્રોના હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ
મેટ્રો-2B : અંધેરી ડી. એન. નગરથી મંડાલે
મેટ્રો-4 : ગાયમુખ, થાણે કાસરવડવલીથી વડાલા
મેટ્રો–5 : કલ્યાણથી થાણે
મેટ્રો–6 : જોગેશ્વરીથી વિક્રોલી
મેટ્રો–7A : ઍરપોર્ટથી અંધેરી
મેટ્રો–9 : દહિસરથી ભાઈંદર
મેટ્રો–12 : પેંધારથી કલ્યાણ