22 August, 2025 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરસાદમાં ધોવાઈ ગયેલા મુંબઈ-ગોવા હાઇવેનો ડ્રોન વ્યુ.
૪ દિવસ પડેલા વરસાદે મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રને રીતસરનું ધોઈ કાઢ્યું અને હવે સોશ્યલ મીડિયા પર લોકો વરસાદમાં ધોવાયેલા રસ્તાઓના વિડિયો મૂકીને પ્રશાસન પર માછલાં ધોઈ રહ્યા છે. મુંબઈ-ગોવા હાઇવે પર મસમોટા ખાડા પડ્યા છે એનો ડ્રોન વ્યુ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. મજાના મરાઠી ગીત સાથે પોસ્ટ કરાયેલા આ વિડિયોમાં નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ને પણ ટૅગ કરવામાં આવી છે જેથી હાઇવેની સ્થિતિ અંગે તેમને પણ જાણ કરી શકાય. જોકે NHAI તો એવું કહીને છૂટી ગઈ કે આ ભાગ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) હેઠળ આવે છે.
મુંબઈ-ગોવા હાઇવે પર આવેલા વશિષ્ટી બ્રિજ પાસેના રસ્તા પર પડેલા નાના-મોટા ખાડાઓને કારણે આખો રસ્તો તૂટી ગયો છે. એમાં પણ મોટી ટ્રક રસ્તાના ડિવાઇડર બાજુએ પાર્ક કરીને રસ્તો સાંકડો કરી દેવાયો છે. આ રસ્તા પર વાહન ચલાવવું કેટલું જીવલેણ સાબિત થઈ શકે છે એ સ્પષ્ટ દેખાય છે. ૩૫૦૦ કરોડ રૂપિયાનો આ રસ્તાનો પ્રોજેક્ટ પૂરો થવામાં મોડું થતાં ૭૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ પછી પણ નાગરિકોને સુવિધા મળતી ન હોવાનો રોષ અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર ઠાલવ્યો હતો. ૨૦૨૧માં પણ આ હાઇવેનું ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું. એમ છતાં ગણેશોત્સવ પહેલાં રોડની આ હાલત જોઈને લોકોએ સરકાર દ્વારા કરવામાં આવતા હાઈ-ક્લાસ સ્ટાન્ડર્ડના રોડ મહારાષ્ટ્રમાં હોવાના દાવાની ટીકા કરી હતી.