21 September, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૉર્ટ સર્કિટ થયો એ સ્ટૉલ.
ગણેશ પંડાલ નજીકના સ્ટૉલમાંથી થતા શૉર્ટ સર્કિટને કારણે ૮ વર્ષની માસૂમ બાળકી અને ૩૩ વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો, ૪ જણને ગંભીર ઈજા
શહેરભરમાં ગણેશોત્સવ આનંદપૂર્વક ઊજવાઈ રહ્યો છે ત્યારે શનિવારે મધરાત બાદ અઢી વાગ્યાની આસપાસ કાલાચૌકીમાં દત્તારામ લાડ માર્ગ પર આવેલી દિગ્વિજય મિલ ચાલ પાસે કાલાચૌકી વિભાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ગેટ પાસે શૉર્ટ સર્કિટને કારણે બે જણનાં મૃત્યુ થયાં હતાં તથા ૪ જણને આ ઘટનામાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાની જાણકારી મુંબઈ ફાયર-બ્રિગેડને ૨.૪૨ વાગ્યે મળી ત્યાર બાદ તરત જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇલેક્ટ્રિસિટી બંધ કરીને જ્યાં આ ઘટના બની એ વિસ્તારને કૉર્ડન કરી દીધો હતો. ગેટ પાસે હંગામી ધોરણે ઊભા કરવામાં આવેલા પાણી અને કોલ્ડ ડ્રિન્ક્સના સ્ટૉલમાં શૉર્ટ સર્કિટ થવાથી કરન્ટ લાગ્યો હોવાનું જણાયું હતું. એને પગલે સ્ટૉલને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ
ફાયર-બ્રિગેડ ઉપરાંત પોલીસ, બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગના કર્મચારીઓ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇલેક્ટ્રિક પાવર ઑફ કરીને એરિયાને સીલ કરી દીધો હતો અને તપાસ શરૂ કરી હતી. કરન્ટની ઝપટમાં આવેલા ૬ લોકોને તાત્કાલિક નજીકની ભાયખલાની મસીના હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં ૮ વર્ષની રાગિણી યાદવ તથા ૩૩ વર્ષની સુજાતા નામની મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં, જ્યારે અન્ય ૪ જણને સારવાર આપવાની શરૂ કરવામાં આવી હતી.
મુંબઈ આવ્યાને બેથી ૩ મહિના થયા અને દીકરીને કાળ ભરખી ગયો
આ ઘટનામાં મૃત્યુ પામનારી રાગિણી યાદવની માતા સંગીતા યાદવે કરેલી પોલીસ-ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ સંગીતા અને તેનો પતિ ઘનશ્યામ યાદવ હજી બે-ત્રણ મહિના પહેલાં જ ઉત્તર પ્રદેશથી માનખુર્દ-ઈસ્ટમાં રહેવા આવ્યાં હતાં. સંગીતાની થાઇરૉઇડની ટ્રીટમેન્ટ ચાલી રહી હોવાથી તે મોટી દીકરી નંદિની, દીકરા રોહન અને નાની દીકરી રાગિણી સાથે પિતા રામલખનના ઘરે રહેવા આવી હતી. એવામાં મુંબઈના ગણેશોત્સવ દરમ્યાન લાલબાગમાં ગણેશોત્સવની ઉજવણી જોવા તેઓ નીકળ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની હતી અને તેણે પોતાની દીકરી ગુમાવવી પડી હતી.
...તો ભાગદોડ મચી હોત અને વધુ લોકો મૃત્યુના મુખમાં પડ્યા હોત
ગણશોત્સવ હોવાથી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો હતા અને ભારે ભીડ હતી. એવામાં ઇલેક્ટ્રિક શૉક લાગવાને કારણે એક પછી એક લોકો ધડાધડ બેભાન થઈ જતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડા વખત માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે લોકોએ સંયમ રાખીને ભાગદોડ ન કરતાં પરિસ્થિતિ વણસી નહોતી. જો વધુ ઊહાપોહ મચ્યો હોત અને લોકોએ ભાગદોડ કરી હોત તો સ્ટૅમ્પીડને કારણે વધુ લોકોનાં મૃત્યુ થવાની કે પછી ઈજાગ્રસ્ત થવાની ઘટના બની હોત, જે સદ્ભાગ્યે બની નહોતી. ત્યાં હાજર લોકોએ સમયસૂચકતા વાપરીને સ્ટૉલની ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરી દીધી હતી, જેને કારણે વધુ લોકોને શૉક લાગ્યો નહોતો.
સ્ટૉલ ઑપરેટર વિરુદ્ધ ગુનો નોંધાયો, ઇલેક્ટ્રિક લીકેજનું કારણ જાણવા તપાસ
પોલીસે આ મામલે જે સ્ટૉલમાંથી ઇલેક્ટ્રિસિટી લીક થઈ રહી હતી એના ઑપરેટર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જોકે ઇલેક્ટ્રિક લીકેજ શેના કારણે થયું એની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી BESTના અધિકારીઓએ કરેલી તપાસમાં ઘટના બની એ પહેલાં સ્થાનિક ઇલેક્ટ્રિશ્યને મિનિએચર સર્કિટ બ્રેકર (MCB) અને વાયરિંગ ડિસકનેક્ટ કરી નાખ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઊંડાણપૂર્વક તપાસ કર્યા પછી જ લીકેજનું ખરું કારણ જાણી શકાશે.
૧૨ વર્ષની બાળકી ICUમાં
આ ઘટનામાં ૧૯ વર્ષનો કિરણ નાઈક, ૧૯ વર્ષનો સાહિલ તારે અને ૧૯ વર્ષની તન્વી હાંડે ઈજાગ્રસ્ત થયાં હતાં અને તેમને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું હૉસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ૧૨ વર્ષની રુહી સિંહ નામની બાળકીની હાલત ગંભીર હોવાથી તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ કરવી પડી હતી. તેની હાલત નાજુક હોવાની માહિતી મળી છે.
આસ્થા હૉસ્પિટલમાં સારવાર ન
મળતાં ભાયખલા લઈ ગયા
શૉક લાગ્યો હતો તે ૬ જણને પહેલાં નજીકમાં આવેલી આસ્થા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં સારવાર નહીં થઈ શકે એમ કહેવામાં આવતાં તેમને ઍમ્બ્યુલન્સ મારફત ભાયખલાની મસીના હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રાગિણી અને સુજાતાને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.