Mumbai Fire: ચેમ્બુરની એક ઑફિસ આગની લપેટમાં- કોઈ જાનહાનિ નહીં

10 November, 2025 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: ચેમ્બુર પૂર્વમાં સાયન-ટ્રોમ્બે રોડ પર કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં આવેલી થોમસ કૂક નામની ઑફિસમાં આજે સોમવારની વહેલી સવારે આગ ફાટી નીકળી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાંથી ફરી એકવાર આગની બીના (Mumbai Fire) સામે આવી છે. રિપોર્ટ અનુસાર ચેમ્બુર પૂર્વમાં સાયન-ટ્રોમ્બે રોડ પર કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં આવેલી થોમસ કૂક નામની ઑફિસમાં આજે સોમવારની વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ જ બાબતે મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ મોડી રાત્રે લગભગ 1:38 વાગ્યે અમને કરવામાં આવી હતી. તેઓ આગળ જણાવે કે આ આગને લેવલ ૨ની આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. સૌ પ્રથમ આગ ગ્રાઉન્ડ-પ્લસ-બે માળની રવેશ બિલ્ડિંગના બીજા માળે ફાટી નીકળી હતી. ત્યારબાદ તે ફેલાઈને લગભગ ૨૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા ઑફિસ એરિયામાં પ્રસરી હતી. આ આગના હાદસાને કારણે ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન, ઑફિસ ફર્નિચર, રેકોર્ડ્સ, યુપીએસ બેટરી બેકઅપ સિસ્ટમ્સ, છત, લાકડાના દરવાજા અને કાચની ફ્રેમ વગેરેને નુકસાન થવા પામ્યું હતું.

શરુઆતમાં એટલે કે આશરે ૧.૫૫ વાગ્યે આ આગ (Mumbai Fire)ને લેવલ ૧ની હોવાનું સામે આવ્યું હતું પરંતુ ૨.૫૦ વાગ્યા સુધીમાં તો આ આગ એટલી પ્રસરી હતી કે તેને લેવલ ૨માં વર્ગીકૃત કરવી પડી હતી. આશરે ૪.૨૮ કલાકે ફાઈનલી આ આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી. વહેલા પરોઢે ૪.૩૩ કલાકે આગને સંપૂર્ણપણે બુઝાવી લેવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા છેલ્લું ઓપરેશન સવારે ૬.૧૫ વાગ્યે પૂર્ણ થયું હતું.

તમને જણાવી દઈએ કે આ આગની ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાનિ (Mumbai Fire) થઇ નથી. તેમ છતાં પણ આગ કઈ રીતે અને શા કારણોસર ભભૂકી ઊઠી હતી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે મામલે વધુ તપાસ ચાલી રહી છે.

એક અન્ય આગની ઘટના : મુંબઈમાં ઓટોમોબાઇલના શોરૂમમાં ભીષણ આગ

ચેમ્બુરની આગની ઘટના તો તમે વાંચી. હવે આવી જ એક અન્ય ઘટના (Mumbai Fire) વિષે તમને જણાવી દઈએ. રવિવારે મોડી રાત્રે અંધેરી વિસ્તારમાં એક ઓટોમોબાઇલ શોરૂમમાં આગ લાગી હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, આ ઘટનામાં પણ કોઈ વ્યક્તિને ઈજા થઈ હોય તેવા અહેવાલ નથી જ. જે રાહતના સમાચાર છે.

અંધેરી પૂર્વમાં ચાંદીવલી ફાર્મ રોડ પર સ્થિત શોરૂમમાં આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને મોડી રાત્રે ૧૨.૩૮ વાગ્યે કરવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આશરે સવારે ૬.૧૨ વાગ્યા સુધીમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઇ લેવામાં આવી હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તપાસ ચાલી રહી છે અને હજી સુધી તો આ આગ શા કારણોસર લાગી હતી તેનું કારણ જાણી શકાયું નથી.

mumbai news mumbai mumbai fire brigade fire incident chembur mumbai police