09 December, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થોડા દિવસ પહેલાં નવી મુંબઈમાં રૅપિડોની પેરન્ટ કંપનીના ડિરેક્ટરો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયા બાદ હવે આંબોલી પોલીસે ઓલા કંપનીના ડિરેક્ટરો સામે પણ ફરિયાદ નોંધાવી છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર અથવા રીજનલ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (RTA)ના લાઇસન્સ કે પરવાનગી વિના ગેરકાયદે બાઇક-ટૅક્સી સર્વિસ ઑપરેટ કરવા માટે આ કેસ નોંધાયા છે.
FIRમાં જણાવાયા મુજબ રૅપિડો અને ઓલા બન્નેએ સરકાર તરફથી કોઈ પરવાનગી મેળવી નથી અને મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા બાઇક-ટૅક્સી સર્વિસ આપીને કંપનીઓ આર્થિક લાભ મેળવી રહી છે અને ટૂ-વ્હીલર પર ગેરકાયદે ટ્રાન્સપોર્ટ સર્વિસ આપીને મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહી છે. ડ્રાઇવરોના કૅરૅક્ટર સર્ટિફિકેટની તપાસ કરવામાં અને સેફ્ટી માટેના નિયમોનું પાલન કરવામાં પણ આ કંપનીઓ નિષ્ફળ રહી હોવાનું ફરિયાદમાં જણાવવમાં આવ્યું છે.