✕

મુંબઈની NSCI ક્લબનું ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ, રસોડામાં મળ્યા વાંદા અને માખીઓ

24 November, 2026 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈની નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)માં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ગંભીર નિયમભંગ બદલ FDAએ ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કર્યું. નિરીક્ષણ દરમિયાન રસોડામાં માખીઓ, વૉશ બેસિન પાસે વંદા અને ખુલ્લામાં કચરો મળી આવ્યો હતો.

તુકારામ મુંઢે

મુંબઈ: મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ જણાવ્યું છે કે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુંબઈની નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)નું ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. નિરીક્ષણ દરમિયાન ક્લબના મુખ્ય રસોડામાં માખીઓ અને વૉશ બેસિન વિસ્તારમાં વંદા મળી આવ્યા હતા.
નિયામક સંસ્થાએ સોમવારે જાહેર કરેલા નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફોર્ટ વિસ્તારમાં આવેલી મુંબઈ યુનિવર્સિટીની એક કેન્ટીન પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

FDAએ NSCIનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ક્લબના પરિસરમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું.

નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, "મેસર્સ ધ નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા, વરલી, મુંબઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લાઇસન્સિંગ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ ફૂડ બિઝનેસિસ) રેગ્યુલેશન્સ, 2011ના શેડ્યૂલ 4 હેઠળ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વ્યવસ્થા જાળવવા સંબંધિત ગંભીર નિયમભંગ જોવા મળ્યો હતો. આથી, 23 નવેમ્બરથી તાત્કાલિક અસરથી સંસ્થાનું ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે."


લાઇસન્સ સસ્પેન્ડ કરવાના કારણો જણાવતાં FDAએ કહ્યું હતું કે ક્લબના મુખ્ય રસોડામાં માખીઓ અને વૉશ બેસિન વિસ્તારમાં વંદા મળી આવ્યા હતા. ગટરની નાળીઓ પર વંદા પકડવા માટેની જાળી પણ લગાવવામાં આવી નહોતી.

નિયામક સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ટોર રૂમ અને પરિસરના ખૂણાઓમાં ખાદ્ય કચરો એકઠો થયેલો જોવા મળ્યો હતો. ખોરાક બનાવવાની જગ્યાની નજીક કચરાપેટીઓ પણ ખુલ્લી રાખવામાં આવી હતી, જેના કારણે ખોરાક દૂષિત થવાનું જોખમ ઊભું થયું હતું.

FDAના જણાવ્યા અનુસાર, કાચો માલ અને ખાદ્યપદાર્થો જરૂરી તાપમાને સ્વચ્છ વાતાવરણમાં રાખવામાં આવતા નહોતા. કોલ્ડ સ્ટોરેજ વિસ્તારમાં પણ યોગ્ય વ્યવસ્થા નહોતી અને સ્ટોર રૂમમાં રાખવામાં આવેલા કન્ટેનર પર કોઈ લેબલ લગાવવામાં આવ્યાં નહોતાં.


FDAએ જણાવ્યું હતું કે ક્લબના રસોડાની દીવાલો અને છત પરથી પોપડા તથા કણો ખરી રહ્યા હતા. ફ્લોરનો કેટલોક ભાગ પણ અસ્વચ્છ હતો અને એક્ઝોસ્ટ ફેન પર ધૂળ તથા ગંદકી જામી ગઈ હતી. નિરીક્ષણ દરમિયાન સંચાલકો સફાઈનું સમયપત્રક, સાધનોની સફાઈના રેકોર્ડ અને કાચા માલની ખરીદીનાં બિલ રજૂ કરી શક્યા નહોતા.નિયામક સંસ્થાએ વધુમાં નોંધ્યું હતું કે ખાદ્યપદાર્થો બનાવતા કર્મચારીઓએ રસીકરણ કરાવ્યું નહોતું અને કેટલાક કર્મચારીઓ હાથમાં મોજાં પહેર્યા વિના કામ કરી રહ્યા હતા. ક્લબમાં ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટેની અસરકારક વ્યવસ્થા પણ નહોતી.

મુંબઈ યુનિવર્સિટીની એક કેન્ટીનના નિરીક્ષણ દરમિયાન FDAને રેફ્રિજરેટરમાં ખાદ્યપદાર્થો અયોગ્ય અને અવ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આના કારણે એક ખાદ્યપદાર્થમાંથી બીજા ખાદ્યપદાર્થમાં દૂષણ ફેલાવાનું જોખમ ઊભું થયું હતું. FDAએ વધુમાં જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થો સંગ્રહ કરવાની જગ્યાની નજીક કચરાથી ભરેલી ખુલ્લી કચરાપેટીઓ રાખવામાં આવી હતી. જ્યારે ખોરાક બનાવવાની જગ્યામાં સફાઈ માટેની સામગ્રી પણ અવ્યવસ્થિત રીતે ફેંકેલી જોવા મળી હતી.

FDAએ જણાવ્યું હતું કે કેન્ટીનમાં ખાદ્યપદાર્થો બનાવતા કર્મચારીઓએ ફરજિયાત યુનિફોર્મ અને સુરક્ષાત્મક કપડાં પહેર્યાં નહોતાં. આ ઉપરાંત, શાકાહારી અને માંસાહારી વાનગીઓને અલગ રાખવાની યોગ્ય વ્યવસ્થા નહોતી. ખાદ્યપદાર્થો અને બિનખાદ્ય વસ્તુઓને પણ અલગ રાખવામાં આવતી નહોતી. તપાસ દરમિયાન આ સહિત અન્ય નિયમોનું પણ ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
FDAના જણાવ્યા અનુસાર, અન્ય એક કિસ્સામાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેસર્સ બ્રિટિશ બ્રૂઇંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ (રેસ્ટોરન્ટ અને બાર) નું ફૂડ લાઇસન્સ 21 નવેમ્બરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
મુંબઈમાં હોટેલ, રેસ્ટોરન્ટ, બેકરી અને ખાદ્યપદાર્થોનું ઉત્પાદન કરતા એકમો સહિત કુલ છ સંસ્થાઓનાં ફૂડ લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ગંભીર ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
FDAએ વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરવા બદલ પુણે વિભાગની 21 ખાદ્ય સંસ્થાઓનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

Mumbai NSCI MaharashtraFDA FoodSafetyViolations NSCIMumbaiNews NSCIWorli MumbaiNews