19 August, 2025 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આચાર્ય અત્રે ચોક, વરલી. તસવીર : આશિષ રાજે
રવિવારે મોડી રાતથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એને કારણે મુંબઈ પાણી-પાણી થઈ ગયું હતું. સવારથી ૮ કલાકમાં ૧૭૦ મિલીમીટર વરસાદ ખાબકતાં મુંબઈગરાઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સોમવારે સવારે વધુ વરસાદ પડ્યો હતો અને એ જ સમયે ઑફિસ જવા નીકળેલા લોકો રસ્તા પર અને ટ્રેનમાં અટવાઈ ગયા હતા. અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સર્કલને કારણે મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ આજે પણ પાલઘર, થાણે, મુંબઈ અને રાયગડમાં રેડ અલર્ટ જાહેર કરી છે. આવતી કાલે આ વિસ્તારોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે.
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પાસે.
વિક્રોલીમાં દિવસનો સૌથી વધુ ૧૩૯.૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વડાલા, ચેમ્બુર, ડોમ્બિવલી, દાદર, અંધેરીના નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ત્યાં સરેરાશ ૧૫૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. રસ્તાઓ પર કમર સુધીનાં પાણી ભરાયાં હતાં. ચેમ્બુરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં પાણી ઘૂસી ગયાં હતાં અને ડોમ્બિવલીના પોલીસ-સ્ટેશનમાં પાણી ભરાયાં હતાં. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલીના ઠાકુર વિલેજ પાસે સિગ્નલ-ફેલ્યરને લીધે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી અને એમાં એક ઍમ્બ્યુલન્સ ફસાતાં દરદીએ હાલાકી વેઠવી પડી હતી. બેસ્ટની બસોને પાણી ભરાયું હોય એ રોડને બદલે અન્ય રોડ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
એવરાર્ડ નગર, સાયન. તસવીર : શાદાબ ખાન
સેન્ટ્રલ રેલવેમાં સાયન અને મસ્જિદ સ્ટેશનો નજીક ટ્રૅક પર પાણી ભરાયાં હતાં એથી સેન્ટ્રલ રેલવેની ટ્રેનો મોડી દોડી હતી. થાણે સ્ટેશન પર પ્રવાસીઓની ચિક્કાર ગિરદી જોવા મળી હતી. મુંબઈ-ગોવા હાઇવે પર પણ પાણી ભરાયાં હતાં જેને કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ હતી. બપોર પછી સ્કૂલ-કૉલેજોમાં રજા આપી દેવાઈ હતી, પણ એ સમયે વરસાદનું જોર વધતાં વિદ્યાર્થીઓને ઘરે જવામાં ભારે મુશ્કેલી પડી હતી.
ગૅસ સિલિન્ડરની ટ્રૉલી જળમગ્ન.
કિંગ્સ સર્કલ પાસે સ્કૂલનાં બાળકોને ઉગારતી પોલીસ.
BMCએ પાણી ખેંચવાના ૪૦૦ પમ્પ ગોઠવીને વિવિધ વિસ્તારોમાં ભરાયેલાં પાણીનો નિકાલ કર્યો.
નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને મિલિટરીને સજ્જ કરવામાં આવી.
સરકારી અધિકારીઓને ઑફિસથી વહેલા નીકળવાની પરવાનગી આપવામાં આવી.
વરસતા વરસાદમાં સેન્ટ્રલ રેલવે અને મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશને ભાંડુપના ફુટઓવર બ્રિજ પર બે કલાક ૧૦ મિનિટમાં ૭ ગર્ડર બેસાડવાનું કામ કર્યું.
માટુંગામાં ૭ કલાકથી વધુ સમય માટે વીજળી ગુલ.
હિન્દમાતા અને ગાંધી માર્કેટ વિસ્તારોમાં ૧.૫ ફુટ જેટલાં પાણી ભરાયાં.
અંધેરી સબવેમાં પાંચ ફુટ જેટલાં પાણી ભરાયાં. સવારે ૯.૪૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અંધેરી સબવે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. પોઇસર સબવેમાં ૩ ફુટ જેટલાં પાણી ભરાયાં.