મસ્જિદ સ્ટેશન પર એલિવેટેડ ટૉઇલેટનું પાણી ટ્રેનના મુસાફરોને ભીંજવે છે

31 January, 2026 12:12 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

અકસ્માત ન થાય ત્યાં સુધી પ્રશાસનની આંખ નહીં ઊઘડે એવો મુસાફરોનો રોષ

ટિકિટ બુકિંગ ઑફિસની ઉપર આવેલું ટૉઇલેટ અને એમાંથી હાર્બર લાઇનની ટ્રેન પર ટપકતું પાણી

મસ્જિદ બંદર રેલવે સ્ટેશન પર ટિકિટ બુકિંગ-ઑફિસની ઉપરના એલિવેટેડ ટૉઇલેટ બ્લૉકમાંથી ટપકતું પાણી ત્યાંથી પસાર થતી લોકલ ટ્રેન પર પડે છે. ટૉઇલેટના પાણીથી ટ્રેનના ફુટબોર્ડ પર ઊભા રહેતા મુસાફરોનાં કપડાં સુધ્ધાં ભીંજાઈ જવાની ફરિયાદ છે.

‘મિડ-ડે’એ જ્યારે આ બાબતે રેલવેના અધિકારીઓને પૂછ્યું તો તેમણે સ્પષ્ટતા કરી હતી કે બુકિંગ-ઑફિસમાં પાણીની ટાંકી ભરાઈ જવાને કારણે આ સમસ્યા થઈ શકે છે. તેમણે ખાતરી આપી હતી કે આ બાબતની તપાસ અને નિરીક્ષણ કરવામાં આવશે.

જ્યારે ‘મિડ-ડે’એ સતત બે દિવસ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે અપ હાર્બર લાઇન પર દોડતી ટ્રેનોમાં સમયાંતરે પાણી ટપકતું જોવા મળ્યું હતું. મુસાફરોએ જણાવ્યું હતું કે ‘આવી ઘટનાઓ નિયમિત નિરીક્ષણના અભાવને લીધે થાય છે. અકસ્માત કે ઈજા થાય ત્યાં સુધી પ્રશાસનની આંખ ઊઘડતી નથી.’

રેલવેના નિયમો શું કહે છે?

ભારતીય રેલવેના એન્જિનિયરિંગ અને સેફ્ટીનાં ધોરણો અનુસાર રેલવે ટ્રૅકની ઉપર સ્થિત સ્ટ્રક્ચર્સમાંથી પાણીનો નિકાલ, લીકેજ અથવા ઓવરફ્લો ન થવાં જોઈએ, કારણ કે એ મુસાફરો માટે જોખમ ઊભું કરે છે અને રોલિંગ-સ્ટૉકને નુકસાન પહોંચાડી શકે છે.

ટૉઇલેટ બ્લૉક્સ, પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનો સહિતની તમામ ઓવરહેડ યુટિલિટીઝમાં યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ હોવી જરૂરી છે જે પાણીને ટ્રૅક અને ટ્રેનોથી દૂર વાળે છે. સ્ટેશનનાં બિલ્ડિંગોનું નિયમિત નિરીક્ષણ પણ ફરજિયાત છે. ખાસ કરીને રનિંગ લાઇનો ઉપર બાંધવામાં આવેલાં સ્ટેશનોનું નિરીક્ષણ સમયાંતરે થવું જોઈએ.

mumbai local train harbour line indian railways mumbai mumbai news rajendra aklekar