Mumbai: હે ભગવાન! બાપ્પાને વિદાય કરવા નીકળેલા ભક્તોને લાગ્યો વીજકરંટ- એકનું મોત- પાંચને ઈજાઓ

07 September, 2025 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: ઘાયલ થયેલા ગણેશભક્તોની હાલત ગંભીર છે. ગઈકાલે મોડી રાત્રે વિસર્જનયાત્રામાં આ ઘટના એસ. જે. સ્ટૂડિયો સામે બની હતી.

પ્રતીકાત્મક તસવીર

ગઈકાલે મુંબઈ (Mumbai)માં ગણેશ વિસર્જનની ધૂમધામ હતી. ભક્તોએ પોતાના લાડકા બાપ્પાને ભાવુક વિદાય આપી. એ વચ્ચે સાકીનાકામાંથી હ્રદય ચીરી નાખે તેવા સમાચાર આવી રહ્યા છે. ખૈરાની રોડ પર શ્રી ગજાનન મિત્ર મંડળની વિસર્જનયાત્રામાં હાઈ ટેન્શન વાયર અડી જવાને લીધે પાંચ યુવાનોને વીજકરંટ લાગ્યો હતો. આ સાથે જ એક ૩૬ વર્ષના યુવકનું મોત નીપજ્યું છે. ઘાયલ થયેલા ગણેશભક્તોની હાલત ગંભીર છે. ગઈકાલે મોડી રાત્રે વિસર્જનયાત્રામાં આ ઘટના એસ. જે. સ્ટૂડિયો સામે બની હતી.

શ્રી ગજાનન મિત્ર મંડળની (Mumbai) ટ્રોલી સાકિનાકામાં ખૈરાની રોડ પરથી આગળ વધી રહી હતી ત્યારે ટ્રોલી ટાટા પાવરના અગિયાર હજાર વોલ્ટેજના હાઇ ટેન્શન વાયરની નીચે લટકતા નાના વાયરને અડી ગઈ હતી. જેને કારણે ટ્રોલીમાં બેઠેલા લોકોને વીજનો કરંટ લાગ્યો હતો. આ બીનાથી ૩૬ વર્ષના બીનુ શિવકુમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે અન્ય ઈજાગ્રસ્તોની વાત કરીએ તો ૧૮ વર્ષનો તુષાર ગુપ્તા, ૪૩ વર્ષનો ધર્મરાજ ગુપ્તા, ૧૨ વર્ષનો આરુષ ગુપ્તા અને ૨૦ વર્ષનો શંભુ કમી તેમ જ ૧૪ વર્ષનો કરણ કનૌજિયા વગેરેને ઈજા થઇ હતી. આ તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ટાટા પાવરનો એક હાઇ ટેન્શન વાયર ખૈરાની રોડ પર લગાડવામાં આવ્યો છે. આ વાયરમાંથી એક નાનો તાર નીચે લટકી રહ્યો હતો. જયારે વિસર્જન માટે નીકળેલી ટ્રોલી એ વાયર નીચેથી પસાર થઇ ત્યારે ટ્રોલીમાં વીજપ્રવાહ ફેલાયો હતો. (Mumbai) ટ્રોલી પર જેટલા લોકો હતા તેઓને કરંટ લાગ્યો હતો. ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે શિવકુમારને બચાવી શકાયો ન હતો. 

સાકીનાકા પોલીસે (Mumbai) કેસ નોંધ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. જોકે, ટાટા પાવર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સાકીનાકા પોલીસ જણાવે છે કે ગણેશ વિસર્જનને પગલે મુંબઈ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન અલર્ટ પર હતી જ. અમે આ બીના બાદ તરત જ ટાટા પાવરના પ્રવક્તાને ફોન જોડ્યો હતો જેથી આ મુદ્દે વધુ જાણી શકાય પણ તેઓએ પ્રતિસાદ આપ્યો નથી. આ બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. ટાટા પાવર કંપનીની બેદરકારી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે ઘણા લોકો રોષે પણ ભર્યા છે. તેઓ કહે છે કે જો પોલીસ ટાટા પાવર સામે કેસ નોંધશે નહીં અને જવાબદાર અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરશે નહીં, તો તેઓએ ટાટા ઓફીસમાં તોડફોડ કરી મૂકશે.

જોકે, સાકીનાકા વિસ્તાર (Mumbai)માં ભૂતકાળમાં પણ આવા વાયરના કારણે ત્રણથી ચાર લોકોના મોત થયા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે. 

mumbai news mumbai sakinaka visarjan mumbai police tata trusts mumbai crime news Crime News