અંધેરી સબવે જુલાઈમાં ૧૦ વાર બંધ કરવો પડ્યો

24 July, 2025 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદ જોરદાર : મુંબઈ, થાણે અને પાલઘરમાં આજે પણ ઑ રેન્જ અલર્ટ : આ જ અઠવાડિયામાં ૭ વાર બંધ થયો, ગઈ કાલે બે વાર

અંધેરી સબવે

જુલાઈ મહિનામાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે. સીઝનના સરેરાશ વરસાદના લગભગ ૫૦ ટકા જેટલો વરસાદ જુલાઈ મહિનામાં નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે મુંબઈમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાનો સામનો મુંબઈગરાઓએ કરવો પડ્યો છે. ટ્રાફિકની વધુ અવરજવર ધરાવતો અંધેરીનો સબવે પાણી ભરાવાને કારણે જુલાઈ મહિનામાં કુલ ૧૦ વાર બંધ કરવો પડ્યો છે. એમાંથી ૭ વાર આ જ સપ્તાહમાં બંધ કરવામાં આવ્યો હતો. બુધવારે અંધેરી સબવે દિવસમાં બે વાર બંધ કરવામાં આવ્યો હતો. સવારે અહીં ૪૭.૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો ત્યારે ૮.૨૩ વાગ્યાથી ૯.૦૧ વાગ્યા સુધી અને બપોરે ૭૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો ત્યારે એક વાગ્યાથી ૧.૧૯ વાગ્યા સુધી સબવે બંધ કરવામાં આવ્યો હતો.

લાલબાગ ફ્લાયઓવર પરથી નીચે ટપકતું વરસાદનું પાણી. તસવીર : આશિષ રાજે

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર દહિસર ચેકનાકા પાસે ખાડા વધતા જાય છે. તસવીર : નિમેશ દવે

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૨૪ કલાક મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ પડશે. આ વિસ્તારોમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. સતત બે દિવસથી મુંબઈમાં કુલ ૧૦૦ મિલીમીટર કરતાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. બુધવારે સાંજે પૂરા થયેલા ૩૬ કલાકમાં કોલાબામાં ૧૧૧.૨ મિલીમીટર અને સાન્તાક્રુઝમાં ૧૨૭ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. એને કારણે મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ શૉર્ટ સર્કિટના અને ૧૨ ઝાડ પડી જવાના બનાવો નોંધાયા હતા. વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઇનની ટ્રેનો ૨૦ મિનિટ જેટલી મોડી પડી હતી. અકાસા અને ઇન્ડિગો ઍરલાઇન્સે ઍડ્વાઇઝરી જાહેર કરીને મુસાફરોને ઘરેથી વહેલા નીકળવાની તાકીદ કરી હતી, જેથી તેઓ ફ્લાઇટના સમય પહેલાં મુંબઈ ઍરપોર્ટ પર પહોંચી શકે. સાથે જ ભારે વરસાદને કારણે ફ્લાઇટના સમયમાં પણ અમુક સામાન્ય ફેરફાર રહ્યા હતા, જેની નોંધ લેવાનું પણ સૂચવવામાં આવ્યું હતું

મરીન ડ્રાઇવ પર વરસાદની સાથે દરિયાની મોજ. તસવીર : સૈયદ સમીર અબેદી

તાનસા જળાશય છલકાયું

મુંબઈમાં ભારે વરસાદને પગલે તાનસા જળાશય છલકાયું હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર કર્યું હતું. બુધવારે સાંજે ૫.૪૦ વાગ્યે તાનસામાં એની કુલ ક્ષમતા ૧,૪૫,૦૮૦ MLD (મિલ્યન લીટર) જેટલું પાણી જમા થયું હતું અને જળાશય છલકાયું હતું. આ સાથે જ મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ જળાશયોમાં કુલ ક્ષમતાના ૮૬.૮૮ ટકા પાણી જમા થઈ ગયું છે.

mumbai mumbai news monsoon news mumbai monsoon Weather Update mumbai weather news andheri santacruz colaba mumbai rains brihanmumbai municipal corporation