મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર મળેલી યુવતીને ન્યુડ વિડિયો મોકલવાનું ભારે પડી ગયું બૅન્કના સિનિયર મૅનેજરને

14 June, 2024 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્ન માટે ના પાડી દીધી એટલે યુવતીએ અને તેની મમ્મીએ વિડિયો તેના સંબંધીઓને મોકલવાની ધમકી આપી

પ્રતીકાત્મક તસવીર

તિલકનગરમાં સોમૈયા કૉલેજ નજીકની એક સોસાયટીમાં રહેતા બૅન્કના ૩૦ વર્ષના સિનિયર મૅનેજર સાથે ઑનલાઇન મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર એક યુવતીએ મિત્રતા કર્યા બાદ તેના ન્યુડ વિડિયોના આધારે જબરદસ્તી લગ્ન કરવા માટે ધમકાવ્યો હોવાની ફરિયાદ બુધવારે તિલકનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. યુવાન અને યુવતી છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતાં. બન્નેનાં લગ્નની વાતો ચાલતી હોવાથી તેમણે પોતપોતાના ન્યુડ વિડિયો વૉટ્સઍપ પર શૅર કર્યા હતા. કોઈ કારણસર યુવાને લગ્ન માટે ઇનકાર કર્યો ત્યારે યુવતી અને તેની મમ્મીએ મળીને યુવાનને બ્લૅકમેઇલ કર્યો હતો. એની સાથે યુવાનને તેનો ન્યુડ વિડિયો મોકલીને લગ્ન કર, નહીં તો આ વિડિયો તારા સંબંધીઓને મોકલી દઈશ એવી ધમકી આપી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સની એક બૅન્કમાં સિનિયર મૅનેજર તરીકે કામ કરતો યુવાન સપ્ટેમ્બર ૨૦૨૨માં લગ્ન માટે છોકરી શોધી રહ્યો હતો ત્યારે તેની જીવનસાથી ડૉટકૉમ વેબસાઇટ પર પ્રાચી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી એમ જણાવતાં તિલકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર એકબીજાએ પોતપોતાના નંબર શૅર કર્યા બાદ તેમની વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. ત્યાર બાદ સપ્ટેમ્બર ૨૦૨૩માં તેઓ મુંબઈમાં પહેલી વાર મળ્યાં હતાં. લગ્નની વાતો આગળ ચાલતાં બન્નેએ સહમતી સાથે એકબીજાના ન્યુડ વિડિયો વૉટ્સઍપ પર શૅર કર્યા હતા. આ દરમ્યાન જાન્યુઆરી ૨૦૨૪થી પ્રાચીએ યુવાન પર નાની-નાની વાતમાં શંકા કરવાની શરૂઆત કરી હતી એટલું જ નહીં, પોતાની બહેન સાથે પણ યુવાનના સંબંધ હોવાનો આરોપ યુવતીએ કર્યો ત્યારે આ બધાથી ફ્રસ્ટ્રેટ થઈને યુવાને લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ જબરદસ્તી લગ્ન કરવા માટે યુવાનને તૈયાર કરવા યુવતીની માતાએ તેને ન્યુડ વિડિયો મોકલીને જો તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તારો આ વિડિયો તારા તમામ સંબંધીઓને મોકલી દઈશ એવી ધમકી આપી હતી. અંતે તેણે કંટાળીને અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’

પ્રાથમિક માહિતી અનુસાર યુવાન પાસે પૈસા પડાવવાના ઇરાદે આ કરવામાં આવી રહ્યું હોવાનું સમજાય છે એમ જણાવતાં પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં લગ્ન માટે ફોર્સ કરવાનો અને યુવાન તૈયાર ન થાય ત્યાર બાદ તેની પાસે પૈસા માગવાના એવો ઘટનાક્રમ મા-દીકરીનો લાગે છે. હાલમાં અમે માત્ર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અને ધમકાવવાની ફરિયાદ નોંધી છે. આ કેસમાં હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’

Crime News mumbai crime news mumbai mumbai news mumbai police