પહેલી જ વખત લૂંટ કરી, પણ પકડાઈ ગયા

31 March, 2023 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડમાં વહેલી સવારે વૃદ્ધ મહિલાનું મંગળસૂત્ર અને ચેઇન ખેંચાયાં, પણ પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી બે ચોરોને પકડી પાડ્યા

મલાડ પોલીસે પકડી પાડેલા આરોપીઓ અને જપ્ત કરેલા વૃદ્ધ મહિલાના દાગીના

મલાડ-વેસ્ટમાં એક વૃદ્ધ મહિલા સોમવારે સવારે સાત વાગ્યે લિબર્ટી ગાર્ડન પાસે મૉર્નિંગ વૉક કરી રહ્યાં હતાં ત્યારે અચાનક ત્યાં બાઇક પર બે ચોર આવ્યા હતા. એમાંથી એક જણે હેલ્મેટ પહેરી હતી. તેઓ ચાન્સ મળતાં પાછળથી આવીને મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇન ચોરીને ફરાર થઈ ગયા હતા. એથી મલાડ પોલીસમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે એક ટીમ બનાવીને સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીઓને શોધી કાઢ્યા હતા.

આ વિશે કેસ નોંધાતાં પોલીસની ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ અને અન્ય જગ્યાઓના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં અને બાતમીદારની માહિતીની મદદથી શોધખોળ કરીને કુરારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. મલાડ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રવિ અડાણેએ જણાવ્યું હતું કે ‘પોલીસે આરોપીઓની તપાસ કરીને તેમની પાસેથી ચોરીમાં વપરાયેલી બાઇક અને સોનાનું મંગળસૂત્ર તથા ચેઇન જપ્ત કર્યાં હતાં. આ બન્ને આરોપીઓએ આ પહેલી લૂંટને અંજામ આપ્યો હતો. મલાડ પોલીસે ૧૨ કલાકની અંદર જ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ૨૧ વર્ષના રાજા જિતેન્દ્ર ચંદ્રવંશી ઉર્ફે દાનિશ અને શિવમ તિવારી તરીકે થઈ છે. તેઓ બન્ને મલાડ-વેસ્ટના કુરાર ગામના રહેવાસી છે.’

mumbai mumbai news malad Crime News mumbai crime news mumbai police