31 July, 2024 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદરમાં એક એવી ઘટના બની છે જેમાં એક અજાણી વ્યક્તિએ રાતે ઘરે જઈ રહેલી ગુજરાતી યુવતીની છેડતી કરી હતી એટલું જ નહીં, યુવતી પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. નવઘર પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાયાના પાંચ દિવસ બાદ આરોપીની બોરીવલીથી ધરપકડ કરવામાં આવી છે.
ભાઈંદર-ઈસ્ટના નવઘર વિસ્તારમાં ૨૩ વર્ષની યુવતી રહે છે. તે નોકરી પરથી દરરોજ મોડી રાતે મુંબઈથી ઘરે આવે છે. ૨૪ જુલાઈએ મોડી રાતે ૧૨ વાગ્યે યુવતી દરરોજની જેમ પાછી આવી રહી હતી. તેણે હંમેશની માફક ભાઈંદર સ્ટેશન ઊતરીને ઘરે જવા માટે રિક્ષા પકડી હતી. જોકે રિક્ષામાં બેઠી એ સમયે તેની સાથે એક અજાણ્યો પ્રવાસી પણ બેઠો હતો. જ્યારે તે રિક્ષામાંથી ઊતરીને ઘરે જઈ રહી હતી ત્યારે યુવક તેને પાછળથી આવીને ગળે વળગાડીને અશ્લીલ હરકત કરવા માંડ્યો હતો. યુવતીએ વાંધો ઉઠાવતાં તે તેના હાથ અને ચહેરા પર ધારદાર હથિયારના ઘા મારીને ભાગી ગયો હતો. સદ્નસીબે ઘા ચૂકી જતાં તેની આંખો બચી ગઈ હતી. ઘટનાના બીજા દિવસે યુવતીએ નવઘર પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
નવઘરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ધીરજ કોલીએ જણાવ્યું કે ‘ફરિયાદ નોંધાવ્યા મુજબ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને ટેક્નિકલ ઍનૅલિસિસના આધારે આરોપીની શોધખોળ કરી હતી. એ પછી મળેલી માહિતીના આધારે સોમવારે બોરીવલીના ૩૩ વર્ષના દીપક માલીની ધરપકડ કરી હતી.’