18 December, 2023 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બળાત્કારની પ્રતીકાત્મક તસવીર
Mumbai Crime: એક 24 વર્ષીય મહિલા પર કથિત રીતે ત્રણ શખ્સોએ તેને ભાડું ચૂકવવામાં અને ભાડા પર ફ્લેટ અપાવવામાં મદદ કરવાના બહાને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનો પતિ પોતે પણ બળાત્કારીઓમાં સામેલ હતો, જે તેની પત્નીને એક ખંડેર ઈમારતમાં લઈ ગયો અને તેને તેના કળિયુગી મિત્રોને સોંપી દીધી. અહીં ત્રણેય મળીને દુષ્કર્મ આચર્યું હતું. માનવતાને આંસુ પાડતી આ ઘટના પંત નગર પોલીસ સ્ટેશન હેઠળ બની છે.
વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રાજેશ કેવલેના જણાવ્યા મુજબ, ફરિયાદીના નિવેદનના આધારે, સાંગલી પોલીસે બળાત્કાર, સામૂહિક બળાત્કાર, હુમલો, ફોજદારી ધમકી વગેરેનો કેસ નોંધ્યો છે અને તેને વધુ તપાસ માટે પંત નગર પોલીસને ટ્રાન્સફર કર્યો છે. આ સંદર્ભે પીડિતાને તેનું નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી છે. નિવેદન નોંધાયા પછી, કેસ સંબંધિત જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે પૂર્ણ કરવામાં આવશે અને જરૂરી ધરપકડ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
શું છે સમગ્ર મામલો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતાનો પતિ 9 અને 10 ડિસેમ્બરની મધ્યરાત્રિએ તેને ઘાટકોપરની એક સ્કૂલ કેમ્પસમાં લઈ ગયો હતો. આરોપ છે કે ત્યાં તેના પતિએ તેની સંમતિ વિના તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે જ સવારે લગભગ 5:30 વાગ્યે, તેનો પતિ તેને તેના વિસ્તારમાં બનેલી એક ખંડેર મકાનમાં લઈ ગયો, જ્યાં તેણે અન્ય બે લોકો સાથે તેની ઓળખાણ કરાવી. તેનો પતિ બંને વ્યક્તિને મિત્ર કહીને સંબોધતો હતો.
બંને મિત્રોએ વારાફરતી બળાત્કાર કર્યો
પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેનો હાથ પકડી લીધો હતો જ્યારે તેના બે મિત્રોએ તેના પર બળાત્કાર કર્યો હતો. આ પછી કલિયુગી પતિએ કહ્યું કે આ ઉપકારના બદલામાં તેના મિત્રો તેને બિલ્ડિંગમાં ફ્લેટ આપશે. આ ઉપરાંત, જે ફ્લેટમાં રહે છે તેનું ભાડું પણ તે ચૂકવશે.
પતિ સહિત ત્રણેય સામે કેસ
આરોપ છે કે બંને આરોપી મિત્રોએ પીડિતાના પતિને 5,000 રૂપિયા એટલે કે કુલ 10,000 રૂપિયા આપ્યા હતા. જો કે, આ પતિના ઘૃણાસ્પદ કૃત્યોથી દુઃખી થઈને મહિલા તેના વતન સાંગલી ગઈ હતી, જ્યાં તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેના પતિ સહિત ત્રણ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સાંગલી પોલીસે આ કેસને વધુ તપાસ માટે પંતનગર પોલીસને મોકલી આપ્યો છે.