રેલવે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવાં જાહેર સ્થળો પર ચોરીને અંજામ આપતી ગૅન્ગ પકડાઈ

07 May, 2025 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધરપકડ કરવામાં આવેલા આરોપી સામે કુર્લા, તિલકનગર, ચેમ્બુર, શિવાજીનગર, ઘાટકોપર, અંધેરી સહિત વિવિધ પોલીસ-સ્ટેશનોમાં પચાસથી વધારે ગુનાઓની નોંધ હોવાની માહિતી અમને મળી છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈનાં મહત્ત્વનાં રેલવે-સ્ટેશનો તેમ જ બસમાં ભીડનો ફાયદો લઈને ચોરીને અંજામ આપતી ગૅન્ગના ત્રણ સભ્યને ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-ટૂની ટીમે છટકું ગોઠવીને સોમવારે સાંજે ઝડપી લીધા હતા. આ મામલે મોહમ્મદ ખાન, જાવેદ ખાન અને ઝુબેર ખાન સામે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્રણેય આરોપી ભીડભાડવાળા વિસ્તારમાં બાળકો સાથે રાખીને વિવિધ ટેક્નિક અજમાવી લોકોના મોબાઇલ, પર્સ જેવી કીમતી વસ્તુઓ તફડાવી લેતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેમની સામે મુંબઈનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં પચાસ કરતાં વધારે ગુનાઓની નોંધ હોવાની માહિતી પણ સામે આવી છે.

આ લોકો ચોરી માટે બાળકોને પોતાની સાથે રાખીને જાહેર સ્થળો પર, ભીડવાળા વિસ્તારમાં ચોરીને અંજામ આપતા હતા એમ જણાવતાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-ટૂના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્ત બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે ચર્ચગેટના ફૅશન-સ્ટ્રીટ નજીકના બસ સ્ટૉપ પર આવતી બસ નંબર પાંચ અને ૧૫માં ચોરી કરવાના ઇરાદાથી ચાર ચોર બસમાં ચડવાના છે. એ અનુસાર અમે સોમવારે સવારે બન્ને બસમાં સિવિલ ડ્રેસમાં અમારા અધિકારીઓ તહેનાત કરી દીધા હતા જેમણે માહિતીના આધારે વૉચ રાખીને ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા. આરોપી પાસેથી ચોરાયેલા બે મોબાઇલ પણ મળી આવ્યા છે. ધરપકડ કરવામાં આવેલા આરોપી સામે કુર્લા, તિલકનગર, ચેમ્બુર, શિવાજીનગર, ઘાટકોપર, અંધેરી સહિત વિવિધ પોલીસ-સ્ટેશનોમાં પચાસથી વધારે ગુનાઓની નોંધ હોવાની માહિતી અમને મળી છે.’  

mumbai railways mumbai local train crime news mumbai crime news mumbai crime branch mumbai police news mumbai mumbai news