11 July, 2023 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પકડાયેલો આરોપી અને તેની રિક્ષા
ગોરેગામની આરે કૉલોનીમાં રિક્ષામાં પ્રવાસ કરી રહેલી ૨૦ વર્ષની મહિલા નવી મુંબઈના સીબીડી બેલાપુરથી ગોરેગામ આવી રહી હતી ત્યારે રિક્ષા-ડ્રાઇવરે આરેના જંગલમાં મહિલા પર બળાત્કાર કર્યો હતો. પોલીસે ઉત્તર પ્રદેશથી ઇન્દ્રજિત સિંહની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે ‘આ મહિલા સીબીડી બેલાપુરમાં તેની માસીના ઘરે ગઈ હતી. ત્યાંથી ગોરેગામ પોતાના ઘરે આવવા તેણે બેલાપુરથી રિક્ષા કરી હતી. રિક્ષા જ્યારે ગોરેગામની આરે કૉલોની પહોંચી ત્યારે ડ્રાઇવર રિક્ષાને સૂમસામ જગ્યાએ લઈ ગયો હતો અને મહિલા પર બળાત્કાર કર્યો હતો. એ પછી મહિલાને એ ઘટના વિશે કોઈને ન જણાવવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયો હતો. એ પછી તે ઉત્તર પ્રદેશના પોતાના વતન જતો રહ્યો હતો.
પોલીસે જણાવ્યું કે ‘નવી મુંબઈના સીબીડી બેલાપુરથી ગોરેગામ પાછી ફરતી વખતે રિક્ષા-ડ્રાઇવરે આરેના જંગલમાં બાથરૂમ જવાના બહાને રિક્ષા રોકી હતી. ત્યાર બાદ મહિલાનું મોઢું દબાવીને તેને ચૂપ રહેવાનું કહી માર નાખવાની ધમકી આપીને તેના પર બળાત્કાર કર્યો હતો. મહિલાએ વિરોધ કર્યો ત્યારે રિક્ષા-ડ્રાઇવરે તેને માર માર્યો અને કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. જોકે મહિલાએ બે મહિના પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો. બળાત્કારની ઘટનાના અમુક દિવસ બાદ તેને બ્લીડિંગ થવા માંડ્યું હતું. બે મહિના પહેલાં ડિલિવરી થયેલી હોવાથી ૨૦ વર્ષની પીડિતાના ટાંકા તૂટી ગયા હતા અને સતત લોહી વહી રહ્યું હતું. પરિવારજનો તાત્કાલિક તેને હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની તમામ મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી. એ સમયે ડૉક્ટરને તપાસ દરમ્યાન મહિલાના શરીર પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં. ડૉક્ટરને શંકા જતાં તેમણે મહિલાને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી હતી. જોકે ત્યારે મહિલાએ પોતાની સાથે બનેલી ઘટના વિશે ડૉક્ટર અને પરિવારજનોને જાણ કરી હતી. એ પછી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા પાસેથી સંપૂર્ણ માહિતી લીધા પછી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. સૌથી પહેલાં પોલીસ રિક્ષાના માલિક સુધી પહોંચી હતી, જેમાં પોલીસને માહિતી મળી હતી કે ઘટનાના બીજા દિવસે ડ્રાઇવર નાસી ગયો હતો. પોલીસ તમામ માહિતી મેળવીને રવિવારે ઉત્તર પ્રદેશથી આરોપીને ગઈ કાલે મુંબઈ લઈ આવી હતી.’