20 September, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવેલા જિતુ ચૌધરી અને તેના સાથીદારો
પરેલની ભોઈવાડા પોલીસે બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલા એ. દલીચંદ જ્વેલર્સને ત્યાં સોમવારે ૮ સપ્ટેમ્બરે થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. રાજસ્થાન પોલીસના સહયોગથી મુંબઈ પોલીસે દુકાનના ૨૩ વર્ષના સેલ્સ એક્ઝિક્યુટિવ જિતુ ચૌધરી અને તેના બે સાથીદારોને રાજસ્થાનના ફાલના પાસે આવેલા ખુડાલા ગામમાંથી ગઈ કાલે પકડી પાડ્યા હતા. જિતુ ચૌધરી બંધ દુકાનનો લાભ લઈને દુકાનના કબાટમાંથી ડુપ્લિકેટ ચાવીથી મદદથી સાડાચાર કિલો સોનાનાં ઘરેણાં અને કૅશ ૪.૦૭ કરોડ રૂપિયા લઈને નાસી ગયો હતો. જિતુ ચૌધરી અને તેના સાથીદારોએ ચોરેલી જ્વેલરીના ભાગ કરીને વેચી દીધા હતા એને કારણે પોલીસને લગભગ ચોરાયેલા સોનામાંથી અડધું સોનું મળ્યું છે. પોલીસ હજી લૂંટના માલ સાથે ફરાર બે શંકાસ્પદોની શોધખોળ કરી રહી છે.
એ. દલીચંદ જ્વેલર્સના ૬૯ વર્ષના માલિક અરવિંદ સંઘવીએ પોલીસમાં કરેલી ફરિયાદ પ્રમાણે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડા ગામનો જિતુ ચૌધરી જાન્યુઆરી ૨૦૨૫થી દુકાનમાં સમયાંતરે કામ કરતો હતો અને ૩૧ ઑગસ્ટે બીજા કર્મચારી રજા પર ગયા બાદ તેને ફરીથી નોકરી પર રાખવામાં આવ્યો હતો. જિતુનું મુંબઈમાં ઘર ન હોવાથી તે રાતે દુકાનમાં જ સૂતો હતો. રવિવારે ૭ સપ્ટેમ્બરે અરવિંદ સંઘવીએ જિતુ ચૌધરીને લૉકરમાં સોનાના દાગીના અને ૩.૫૩ લાખ રૂપિયા રોકડા રાખવાની જવાબદારી સોંપી હતી. અરવિંદ સંઘવીએ જ્યારે બીજા દિવસે સવારે દુકાનમાં ચેક કર્યું ત્યારે બધું સુરક્ષિત હતું, પણ મંગળવારે ૯ સપ્ટેમ્બરે સવારે ૧૦.૩૦ વાગ્યે અરવિંદ સંઘવીએ પાછળના શટરનું તાળું ખુલ્લું જોયું હતું અને જિતુ દુકાનમાંથી ગાયબ હતો તથા કબાટનું લૉકર ખાલી જોવા મળ્યું હતું. બનાવના દિવસે બપોરે બે વાગ્યા પછી દુકાન બંધ હોવાનો લાભ ઉઠાવીને જિતુ દુકાનના લોખંડના કબાટમાં રહેલી તિજોરીમાંથી ડુપ્લિકેટ ચાવીથી તિજોરી ખોલીને સાડાચાર કિલો સોનાનાં ઘરેણાં અને કૅશ ૪.૦૭ કરોડ રૂપિયા બૅગમાં ભરીને રફુચક્કર થઈ ગયો હતો.
ગઈ કાલે પાલીના જિલ્લા પોલીસ-અધિકારી આદર્શ સિંધુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિતુ ચૌધરીની અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં પાલી પોલીસ, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ભોઈવાડા પોલીસની સંયુક્ત કાર્યવાહીને લીધે સફળતા મળી હતી. અમને મુંબઈ પોલીસ તરફથી ચોરીના બનાવની માહિતી મળતાં અમે જિતુને પકડવા માટે પોલીસ-ટીમ બનાવીને મુંબઈ પોલીસના સહયોગથી જાળ બિછાવી હતી. એ પછી અમે ફાલનાથી સાદડા સુધીના ૧૦૦ કિલોમીટરના પટ્ટામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરવાની શરૂઆત કરી હતી. એ સિવાય બધાં જ ટોલનાકાં પર તપાસ શરૂ કરી હતી. ગઈ કાલે અમને સાદડા ગામના બાવીસ વર્ષના જિતેન્દ્ર ઉર્ફે જિતુ નવારામ ચૌધરી, તેના સાથીદારો ખુડાલા ગામના ૨૬ વર્ષના કમલેશ વાગારામ અને ફાલના ગામના ૩૮ વર્ષના ભરત ઓટારામની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. તેમની પાસેથી પોલીસને ૮૬૭ ગ્રામ ચાંદી અને ૨૫૭૨ કિલો સોનાનાં ઘરેણાં મળી આવ્યાં હતાં. જોકે આ મામલો ચારથી પાંચ કરોડ રૂપિયાની ચોરીનો હોવાથી અમે અને મુંબઈ પોલીસ વધુ તપાસ કરી રહ્યા છીએ.’