04 August, 2021 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરઃ આશિષ રાજે
શહેરમાં ગઈ કાલે ૨૯,૦૩૩ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૦.૯૯ ટકા પૉઝિટિવિટી સાથે ૨૮૮ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીની સંખ્યામાં થોડો-થોડો ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે ૩ દરદી આ મહામારીનો ભોગ બન્યા હતા, જેમાંથી બે દરદી ૪૦ વર્ષથી નીચેની ઉંમરના અને એક દરદી સિનિયર સિટિઝન હતો. બીજી લહેર શરૂ થયા બાદ એક દિવસમાં મૃતકનો આ સૌથી નીચો આંકડો છે. આ સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક ૧૫,૯૧૧ થયો છે. ગઈ કાલે ૪૧૨ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૩૫,૬૫૯ કેસમાંથી ૭,૧૨,૭૨૩ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો વધુ ઘટીને ૪૬૧૬ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર ૧૫૫૫ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા બે થઈ છે, એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૪૮ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૩૨ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૩૦ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.