12 October, 2025 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે, અતુલ કાંબળે
હજી તો માંડ મૉન્સૂને રજા લીધી છે ત્યાં જ ઑક્ટોબર હીટના સીધા તાપથી મુંબઈગરા પરેશાન થઈ રહ્યા છે. ગઈ કાલે મુંબઈમાં કોલાબામાં ૩૩ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે તો જાણે તાપ શરીરને ચટકા ભરી રહ્યો હતો. લોકો તાપથી બચવા પરંપરાગત ઉપાયો અજમાવતા જોવા મળ્યા હતા. મહિલાઓ માથા પર દુપટ્ટો વીંટાળીને તાપથી બચવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. કેટલાક લોકોએ છત્રીનો સહારો લીધો હતો. સમય પારખીને ધંધો કરી લેતાં એક ફેરિયો કૅપ વેચતો જોવા મળ્યો હતો અને લોકો પણ બંધબેસતી ટોપી પહેરી રહ્યા હતા. હવામાન ખાતાએ પણ કહ્યું છે કે આવનારા કેટલાક દિવસોમાં હવે વાતાવરણ સ્વચ્છ રહેશે અને તાપમાનમાં ધીમે-ધીમે વધારો જોવા મળશે. આજે મુંબઈનું તાપમાન મહત્તમ ૩૩ ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ દર્શાવાઈ છે. એથી લોકોને પાણી પીતા રહેવાની અને બની શકે તો બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.