16 May, 2026 12:04 PM IST | Mumbai | Ranjeet Jadhav
ઍનેક્સ મૉલમાં ફાયરફાઇટરો અને તારણહાર બનેલો સામેની સોસાયટીનો સિક્યૉરિટી ગાર્ડ આર. ઝા. (તસવીરો : સૈયદ સમીર અબેદી)
બોરીવલી-ઈસ્ટમાં હાઇવે પર કાંદિવલી તરફ જતા આવેલા ઍનેક્સ મૉલમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. એને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક આવેલા દુકાનદારો અને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે આ દરમ્યાન સામેના બિલ્ડિંગના ચોકીદારની સતર્કતાએ મોટી દુર્ઘટના ટળી હતી.
મૉલ સામેની હાઉસિંગ સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ આર. ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જોરદાર વિસ્ફોટ સાંભળીને મને તરત જ ઇમર્જન્સી હોવાનો ખ્યાલ આવ્યો હતો. હું ગેટ પર ફરજ પર હતો ત્યારે અચાનક મને જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. થોડી વાર પછી મેં રસ્તા પર કાચના ટુકડા પડતા જોયા અને ઇમારતમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. આગ લાગી હોવાનું સમજીને હું તરત જ રસ્તા પર દોડી ગયો, મારી સીટી વગાડવાનું શરૂ કર્યું અને રાહદારીઓ તેમ જ મૉલ નજીક બન્ને બાજુથી આવતાં વાહનોને ચેતવણી આપી હતી.’
સિક્યૉરિટી ગાર્ડે અન્ય લોકો સાથે મળીને બિલ્ડિંગની અંદરથી ગૅસ-સિલિન્ડરો દૂર કર્યાં હતાં જેનાથી મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી. સ્થાનિકોએ સિક્યૉરિટી ગાર્ડની સતર્કતાની પ્રશંસા કરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર બપોરે લગભગ ૨.૦૩ વાગ્યે ઍનેક્સ મૉલના પહેલા માળે આવેલી એક હોટેલમાં આગ ફાટી નીકળી હતી. થોડી વારમાં જ બિલ્ડિંગના એક ભાગમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો જેને કારણે મૉલના દુકાનદારો, કર્મચારીઓ, વિઝિટર્સ અને નજીકના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
આ ઘટનાને કારણે મૉલને અડીને આવેલા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (WEH)ના સ્ટ્રેચમાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો, કારણ કે કામગીરી દરમ્યાન ફાયર-એન્જિન સહિત ઇમર્જન્સી વાહનો રસ્તાના એક ભાગમાં રોકાઈ ગયાં હતાં. એથી મોટરિસ્ટોને થોડો વખત ટ્રાફિક જૅમની હાડમારી ભોગવવી પડી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પહેલા માળે બે રેસ્ટોરાં અને બિલ્ડિંગની અંદર એક જિમ કાર્યરત હતાં. ગ્રાઉન્ડ ફ્લોરની કેટલીક દુકાનો ખુલ્લી હતી. કોવિડ પછી કાર્નિવલ થિયેટર બંધ રહે છે.
- રણજિત જાધવ અને ઈશાનપ્રિય એમ. એસ.