કન્સ્ટ્રક્શન-સાઇટના ઇન્સ્પેક્શન સમયે BMCના અધિકારીઓએ હવે પહેરવા પડશે બૉડી-કૅમેરા

04 April, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાયુપ્રદૂષણ રોકવાની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી લાવવા લાઇવ રેકૉર્ડિંગ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કથળતી જતી હવાની ગુણવત્તા અને સતત વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે BMCએ વધુ એક પગલું લીધું છે. કન્સ્ટ્રક્શન-સાઇટ પર થતા નિયમોના ઉલ્લંઘનને રોકવા અને તપાસ-પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી લાવવા માટે હવે ઇન્સ્પેક્શન-ટીમ માટે બૉડી-કૅમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે.

BMCના એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરમાં ૨૭૮૪ કન્સ્ટ્રક્શન-સાઇટ્સ પર નજર રાખવા માટે ૯૪ વિશેષ ટીમ તહેનાત કરવામાં આવી છે. અગાઉ એવી ફરિયાદો મળી હતી કે કેટલીક જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં એને નજરઅંદાજ કરવામાં આવતું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને BMC પ્રશાસને હવે દરેક ઇન્સ્પેક્શન દરમ્યાન બૉડી-કૅમેરા દ્વારા લાઇવ વિડિયો-રેકૉર્ડિંગ કરવું ફરજિયાત બનાવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિની શક્યતા ન રહે.

ગુરુવારે BMC હેડક્વૉર્ટર ખાતે યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં લીધેલા નિર્ણય મુજબ મુંબઈના વાયુપ્રદૂષણમાં રોડ પરની ધૂળનો હિસ્સો લગભગ ૩૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે રસ્તાઓની સફાઈ, ડસ્ટ-સપ્રેશન મિસ્ટ સ્પ્રે એટલે કે ધૂળ બેસાડવા માટે પાણીનો છંટકાવ અને અન્ય અત્યાધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવશે.

BMC ટૂંક સમયમાં રસ્તા પરની ધૂળ સાફ કરવા માટે પાંચ મોબાઇલ વૅક્યુમ વૅન પણ કાર્યરત કરશે.

brihanmumbai municipal corporation air pollution mumbai mumbai news