ભિવંડીમાં VHPના કાર્યકરો દ્વારા ધર્મપરિવર્તનના રૅકેટનો પર્દાફાશ

05 October, 2025 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે અઢી લાખ રૂપિયા આપતા, પોલીસે એક અમેરિકન નાગરિક સહિત ૩ જણની ધરપકડ કરી

કાર નજીક ઊભેલો અમેરિકન નાગરિક અને ધર્મપરિવર્તન પહેલાં પ્રાર્થના સાંભળવા બેસેલા ગામવાસીઓ

ભિવંડી તાલુકાના ચિંબી પાડાના ભુઈશેત ખાતે એક સામાજિક સંસ્થાની આડમાં ગરીબ ગામવાસીઓનું ધર્મપરિવર્તન કરાવવાનું મોટું રૅકેટ બહાર આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરો દ્વારા શુક્રવારે આ રૅકેટને પ્રકાશમાં લાવવામાં આવ્યું હતું. આ મામલે ભિવંડી તાલુકા પોલીસે અમેરિકન નાગરિક જેમ્સ વૉટ્સન સહિત તેની મદદ કરનાર સ્થાનિક સાંઈનાથ સરપે અને મનોજ કોલ્હે સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ બાબતે પ્રાથમિક તપાસ પરથી સામે આવેલી વિગતો ચોંકાવનારી હતી. આરોપીઓનું ગ્રુપ લોકોને ભેગા કરીને તેમની સામે હિન્દુ ધર્મનાં દેવી-દેવતાઓ તેમ જ રિવાજોની ટીકા કરતું હતું અને ઈસુને પ્રાર્થના કરીને વાઇન પી લેવાથી રોગો મટી જશે એ દાવો કરતું હતું. એટલું જ નહીં, એક હિન્દુ જો ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તો તેને અઢી લાખ રૂપિયા આપવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો.

શું કહે છે પોલીસ?

ભિવંડી તાલુકા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હર્ષવર્ધન બર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમેરિકન નાગરિક સહિત ૩ લોકોની અમે ધર્મપરિવર્તન કરાવવાના આરોપસર ધરપકડ કરી છે. ધર્મપરિવર્તન માટે અમેરિકન નાગરિક તમામ ફન્ડિંગ કરતો હોવાની જાણકારી અમને મળી છે. ઉપરાંત અમેરિકન નાગરિક પાસેથી અમને એક ડાયરી પણ મળી છે જેમાં ભિંવડી અને પાલઘરનાં નાનાં-નાનાં ગામોમાં ધર્મપરિવર્તન  કરવામાં આવેલા કેટલાક લોકોની માહિતી લખેલી મળી આવી છે. ધર્મપરિવર્તન  પહેલાં ખાવા-પીવાનું તેમ જ જરૂરિયાત મુજબ પૈસા આપવામાં આવતા હોવાની જાણકારી પણ સામે આવી છે.’

કોણ છે આ અમેરિકન?

અમેરિકન નાગરિક જેમ્સ વૉટ્સન વિશે માહિતી આપતાં ઇન્સ્પેક્ટર હર્ષવર્ધન બર્વેએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે તે ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યો હતો. દરમ્યાન તેણે મુંબઈની એક એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરવાના નામે ભારતના વર્ક-વીઝા મેળવ્યા હતા. તેના વીઝા પણ ૪ મહિના પહેલાં પૂરા થયા છે. હાલમાં તે થાણેના હીરાનંદાની ખાતે રહેતો હોવાની માહિતી અમને મળી છે. આ કેસમાં તમામ ફન્ડિંગ ક્યાંથી આવતું હતું એની તપાસ કરવામાં આવી રહી છે.’

આ રીતે ચાલતું હતું રૅકેટ

ભિવંડીના VHPના સ્થાનિક કાર્યકર સંદીપ ભગતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક વખતથી ચિંબી પાડાના ભુઈશેત વિસ્તારના એક ઘરમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના કરવામાં આવી હતી. એમાં જતા લોકોને મફત ભોજન અને વાઇન આપવામાં આવતાં હતાં. એની સાથે જરૂરિયાતમંદ લોકોને લોન પણ આપવામાં આવતી હતી એટલે ગામવાસીઓ ખાવા અને પૈસાની લાલચમાં ત્યાં જતા હતા. શુક્રવારે બપોરે પણ આવી જ રીતે આ બધું ચાલુ હોવાની જાણકારી અમને મળી હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ૩૦થી ૩૫ લોકોને હિન્દુ ધર્મ અંધશ્રદ્ધા ફેલાવતો ધર્મ છે, એનાં બધાં દેવી-દેવતાઓ ખોટાં છે એવું કહી ઈસુને પ્રાર્થના કરીને વાઇન પી લેવાથી રોગો મટી જવાનો દાવો કરવામાં આવતો હતો. એટલું જ નહીં, ૪ નાનાં બાળકો સાથે પણ અજબ હરકત કરવામાં આવતી જોઈને આ ઘટનાની જાણ અમે સ્થાનિક પોલીસને કરી હતી. આ મામલે વધુ માહિતી મેળવતાં સ્થાનિક ગામવાસીઓને ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લે તો અઢી લાખ રૂપિયા આપવામાં આવતા હોવાની ખબર પડી હતી. આ ઉપરાંત ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા સાંઈનાથ સરપે અને મનોજ કોલ્હેને પણ પૈસા આપવામાં આવતા હોવાની માહિતી મળી હતી.’

bhiwandi vishwa hindu parishad Crime News mumbai crime news mumbai police mumbai mumbai news