10 September, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઍરપોર્ટ પર અને પ્લેનમાં અમુક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ હોય છે જેને સિક્યૉરિટી રિસ્ટ્રિક્ટેડ આર્ટિકલ્સ (SRA) કહે છે. એમાં નારિયેળ, તેલની બાટલી, ચપ્પુ, લાઇટર, બૅટરી, રમકડાં, કાતર વગેરેનો સમાવેશ થાય છે. મુસાફરોના સામાનમાંથી આવી વસ્તુઓ કઢાવી લેવામાં આવે છે. એમાંથી પોતાના કામમાં આવે એવી વસ્તુઓ ઘરભેગી કરનારા ૧૫ જેટલા ઍરપોર્ટ અધિકારીઓ પાસે મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)એ રાજીનામાં માગ્યાં છે.
MIALની હ્યુમન રિસોર્સિસ (HR) ટીમે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે અધિકારીઓની આ હરકત પકડી પાડી હતી. આ હરકત કરનારા અમુક અધિકારીઓ ૧૦ કે ૨૦ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. સિનિયર ડ્યુટી ટર્મિનલ ઑફિસર, ડ્યુટી ટર્મિનલ મૅનેજર, ડેપ્યુટી મૅનેજર અને સિનિયર એક્ઝિક્યુટિવ સહિત ૧૫ અધિકારીઓને MIALએ રાજીનામું આપવા કહ્યું હતું અને જો રાજીનામું ન આપે તો તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઍરપોર્ટ આૅથોરિટી આ વસ્તુઓ NGOને આપી દે છે
મે મહિનાથી સિક્યૉરિટી સ્ટાફ દ્વારા બે ઈ-સિગારેટ, પચીસ માચીસ, ૫૦ નારિયેળ, ૨૦ ટૅલ્કમ પાઉડર, ૧૨ કાતર, ૯ ચાકુ, ૧૪ સ્ક્રૂ-ડ્રાઇવર અને અન્ય સાધનો મુસાફરોની હૅન્ડબૅગમાંથી જપ્ત કરવામાં આવ્યાં છે. આ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓનો નાશ કરવામાં આવે છે અથવા કોઈ નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ને એ આપી દેવામાં આવે છે.