✕

ગોલી આજે ૧૮ વર્ષની થઈ

26 November, 2026 08:11 AM IST  |  Mumbai | Ruchita Shah

મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે આતંકવાદીઓના અંધાધૂંધ ગોળીબાર વચ્ચે કામા હૉસ્પિટલમાં જન્મી હતી એક બાળકી.

ગોલી જન્મ સમયે (ડાબે) અને આજે

યસ, જે સંજોગોમાં તેનો જન્મ થયો એને કારણે તેનું હુલામણું નામ પડ્યું હતું ગોલી. આજે એ જ બુલેટ બેબી તેજસ્વિની ચવાણ ઉર્ફે ગોલી ૧૮ વર્ષની થઈ છે અને વકીલાતનો અભ્યાસ કરીને અન્યાય સામે લડવા સજ્જ થઈ રહી છે. મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં ગોલી અને તેના પરિવારે બયાન કરી ૨૬/૧૧ના જન્મ સમયની બહાદુરીથી લઈને આજના સંઘર્ષની વાતો

૨૦૦૮ની ૨૬ નવેમ્બરનો એ દિવસ જ્યારે આખું મુંબઈ આતંકના ઓથાર નીચે ધ્રૂજી ઊઠ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર લોહીની હોળી ખેલ્યા બાદ આતંકવાદીઓ અજમલ કસબ અને અબુ ઇસ્માઇલ કામા ઍન્ડ આલ્બ્લેસ હૉસ્પિટલમાં ઘૂસ્યા હતા. ચારેય તરફ AK-47ની ગોળીઓ છૂટી રહી હતી, ગ્રેનેડ ફૂટી રહ્યા હતા અને મોત જાણે દરવાજા ખખડાવી રહ્યું હતું. એ જ ભયાનક રાત્રિએ હૉસ્પિટલના લેબર રૂમમાં એક બાળકીએ આ દુનિયામાં પહેલો શ્વાસ લીધો હતો. ગોળીઓના વરસાદ વચ્ચે જન્મી હોવાથી હૉસ્પિટલના ડૉક્ટરોએ તેનું વહાલસોયું નામ પાડ્યું હતું ‘ગોલી’. આજે ૨૬/૧૧ના એ ગોઝારા હુમલાને ૧૮ વર્ષ પૂરાં થયાં છે અને એ ‘મિરૅકલ બેબી’ તેજસ્વિની શ્યામુ ચવાણ ઉર્ફે ‘ગોલી’ની પણ આજે ૧૮મી વર્ષગાંઠ છે. કફ પરેડની સાંકડી ઝૂંપડપટ્ટીની એક નાનકડી ખોલીમાં ઊછરેલી આ દીકરી ફર્સ્ટ યર બૅચલર ઑફ લૉ (LLB)નો અભ્યાસ કરી રહી છે. ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં તેજસ્વિની ઉર્ફે ગોલી અને તેનાં માતા-પિતાએ એ કાળરાત્રિની ઝીણામાં ઝીણી વિગતોથી લઈને કફ પરેડની ઝૂંપડપટ્ટીમાં રહીને LLBના અભ્યાસ સુધીની સંઘર્ષગાથા બયાન કરી છે.
મમ્મી-પપ્પા અને નાની બહેન સાથે ગોલી.
 
બર્થ-ડે નથી મનાવતાસામાન્ય રીતે જન્મદિવસ દરેક બાળક માટે ઉજવણીનો અવસર હોય છે, પરંતુ ચવાણ પરિવાર માટે ૨૬ નવેમ્બરનો દિવસ આજે પણ ઉજવણીનો નહીં પણ શહીદોને યાદ કરવાનો દિવસ છે. સાસૂન ડૉક પર કામ કરતા તેજસ્વિનીના પિતા શ્યામુ ચવાણ ભાવુક સ્વરે કહે છે, ‘અમે આજ સુધી ક્યારેય દીકરીનો જન્મદિવસ મનાવ્યો નથી, કેક નથી કાપી અને તેને પણ ક્યારેય બર્થ-ડે મનાવવાની ઇચ્છા થઈ નથી. તેણે ક્યારેય કેક કાપવાની જીદ નથી કરી. હકીકતમાં આ દિવસ તો શ્રદ્ધાંજલિ આપવા જેવો દિવસ છે. આ વખતે ગોલી ૧૮ વર્ષની થઈ એટલે અમે ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કરવા તિરુપતિ આવ્યાં છીએ.’
 
૧૮ વર્ષ પહેલાં ૨૬ નવેમ્બરની એ રાત્રે શું બન્યું હતું એ યાદ કરતાં શ્યામુ ચવાણના આજે પણ રૂંવાડાં ઊભાં થઈ જાય છે. એ રાત્રે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ક્રિકેટ-મૅચ ચાલી રહી હતી. પત્ની વિજુને ડ્યુ-ડેટ કરતાં વહેલો દુખાવો ઊપડ્યો અને તેઓ લગભગ રાતે નવેક વાગ્યાની આસપાસ પત્નીને ડિલિવરી માટે કામા હૉસ્પિટલ લાવ્યા હતા. ડૉક્ટરે દવા લખી આપી એટલે તેઓ નીચે મેડિકલ સ્ટોર પર લેવા ઊતર્યા હતા. ભયાનક દૃશ્ય યાદ કરતાં શ્યામુ ચવાણ કહે છે, ‘મારો પાંચ વર્ષનો દીકરો, મારી બહેન, ભાભી, સાળી એમ મળીને અમારા પરિવારના ૧૪ જણ એ રાતે કામા હૉસ્પિટલમાં રાતે ૯ વાગ્યે પહોંચ્યાં. લગભગ ૧૦ વાગ્યે પાવતી અને પૈસા લઈને બીજા માળેથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર દવા લેવા ઊતરી રહ્યો હતો. એ સમયે બીજા માળે રહેલા લિફ્ટમૅને મને કહ્યું કે ડિલિવરી વૉર્ડમાં આટલા બધા લોકો અલાઉડ નથી એટલે મેં કહ્યું કે દવા આપીને અમે જઈએ છીએ. એ દિવસે ભારત અને ઇંગ્લૅન્ડની ક્રિકેટ-મૅચ હતી અને ભારત જીતવાની સ્થિતિમાં હતું એટલે શરૂઆતમાં અવાજ સંભળાયો ત્યારે મને લાગ્યું કે મૅચ જીતી ગયા હશું એટલે ફટાકડા ફૂટે છે, પણ જેવો હું ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યો અને દૃશ્ય જોઈને હું હેબતાઈ ગયો. સફેદ શર્ટ અને સફેદ પૅન્ટ પહેરેલો લિફ્ટમૅન અને વૉચમૅન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. તેમની છાતીમાં ગોળીઓ વાગી હતી. આ જોઈને મારા હાથમાંથી પૈસા અને દવાની પાવતી બધું છૂટી ગયું. હું જીવ બચાવીને તરત ઉપર ભાગ્યો. મેં ડૉક્ટર મૅડમને બોલાવીને કહ્યું કે કંઈક મોટી ગરબડ થઈ છે, બે જણ મરી ગયા છે; તમે ડિલિવરી સંભાળો, બાકીનું અમે જોઈએ છીએ. અમે બધાએ મળીને બીજા અને ત્રીજા માળના તમામ દરવાજા અંદરથી બંધ કરાવડાવી દીધા. દરદીઓને જમીન પર સુવડાવીને લોખંડના પલંગ દરવાજા પાસે આડા મૂકી દીધા જેથી આતંકવાદીઓ અંદર ન ઘૂસી શકે અને ગોળીઓ પહેલાં પલંગને વાગે. મને આજે પણ યાદ છે કે મારો પાંચ વર્ષનો દીકરો શશિકાંત ડરનો માર્યો ધ્રૂજી રહ્યો હતો. તેના ઠંડા પડી ગયેલા હાથ-પગ ઘસીને તેને પીઠ પર લઈ લીધો એટલામાં હાથમાં ગ્રેનેડ અને ગન લઈને આતંકવાદીઓ આવ્યા અને ફાયરિંગ કર્યું. અમે અંધારામાં હતા એટલે તેમને અમે દેખાતા નહોતા, પણ અમને બહારનું દેખાઈ રહ્યું હતું. એવામાં સમયસર પોલીસની વૅન આવ્યાનું સાઇરન સંભળાયું એટલે તે લોકો ઉપરના માળે ભાગ્યા. જો પોલીસની ગાડી સમયસર ન આવી હોત તો તેઓ ખૂણેખૂણામાં ઘૂસીને બધાને મારી નાખત. એટલું જ નહીં, CSMT તરફથી નાનાં-નાનાં બાળકોને લઈને જીવ બચાવીને ભાગી આવેલા લોકોને પણ અમે અંદર લઈને સુરક્ષિત કર્યા હતા. આ બધાની વચ્ચે એક તરફ નીચે સુવડાવીને મારી પત્નીની ડિલિવરી કરવામાં આવી અને દીકરીનો જન્મ થયો.’
 
પ્રસૂતિની પીડા પી ગઈ માજ્યારે આતંકવાદીઓ હૉસ્પિટલના છઠ્ઠા માળેથી પોલીસ પર ગોળીબાર કરી રહ્યા હતા અને લેબર રૂમના દરવાજા પર પણ ગોળી વાગી હતી ત્યારે અંદર તેજસ્વિનીની મમ્મી વિજુ ચવાણ પ્રસૂતિની અસહ્ય પીડા સહન કરી રહી હતી. જો અવાજ બહાર જાય તો આતંકવાદીઓ અંદર ઘૂસીને બધાને મારી નાખે એવો ડર હતો. વિજુ ચવાણ એ ક્ષણને યાદ કરતાં કહે છે, ‘મને પ્રસૂતિની ભયંકર પીડા થઈ રહી હતી પણ ડૉક્ટરે કહ્યું કે બહાર ફાયરિંગ થઈ રહ્યું છે, બિલકુલ અવાજ ન કરતી. ખબર નહીં ક્યાંથી મારામાં એટલી સહનશક્તિ આવી ગઈ કે મેં એક પણ ચીસ પાડ્યા વિના ગોલીને જન્મ આપ્યો. ડૉક્ટરો પણ મારી હિંમત જોઈને દંગ રહી ગયા હતા. પલંગનો ઉપયોગ દરવાજા પાછળ બુલેટપ્રૂફ શીલ્ડ તરીકે કરાયો હતો એટલે બધા જ દરદીઓને જમીન પર સૂવડાવ્યા હતા. મારી ડિલિવરી પણ જમીન પર થઈ. આજે પણ એ ગોઝારી રાત અમે ભૂલ્યા નથી, દિવસમાં એક વાર તો એ રાત આંખ સામે આવી જ જાય છે.’
અહીં ઉલ્લેખનીય છે કે ચવાણ પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત સામાન્ય રહી છે. માતા વિજુ ઘરકામ કરે છે. અગવડતામાં જીવીને પણ બાળકોને ભણવામાં કોઈ કમી ન રહી જાય એની કાળજી તેમણે રાખી છે. એનું જ પરિણામ છે કે ગોલી અત્યારે LLBનો અભ્યાસ કરી રહી છે. તેનો મોટો ભાઈ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર છે અને નાની બહેન પણ ભણી રહી છે. 
હું વકીલ બનીશ કારણ કે…
 
નાનપણમાં મીડિયાએ ‘બુલેટ ગર્લ’ તરીકે જેને ઓળખ આપી હતી એ તેજસ્વિની આજે ૧૮ વર્ષની સમજદાર યુવતી બની ગઈ છે. તે ચેમ્બુરની કૉલેજમાં LLBના ફર્સ્ટ યરમાં ભણી રહી છે. તેજસ્વિની આજે પરિવાર સાથે તિરુપતિ દર્શને ગઈ છે. બિન્દાસ અંદાજમાં ગોલી ‘મિડ-ડે’ને કહે છે, ‘ઘરમાં અને ફ્રેન્ડ્સ સર્કલમાં બધા મને ગોલી જ બોલાવે છે અને એ જ મારી ઓળખ બની ગઈ છે. પહેલાં જ્યારે લોકો મારી સ્ટોરી જાણતા ત્યારે બહુ તાજ્જુબ પામતા. નાનપણમાં મને આ બધું સમજાતું નહોતું અને સ્ટોરી કહેવી પણ ગમતી નહોતી. મેં ક્યારેય મારા જન્મને કોઈ ખાસ ઘટના તરીકે નથી જોયો, કારણ કે એ રાત્રે કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ ઘટના મારી ઓળખ બને એના કરતાં હું કંઈક એવું કામ કરું જેના કારણે મારી ઓળખ બને એ બાબત મને વધુ ગમશે. વકીલાત પસંદ કરવા પાછળ પણ એ જ કારણ છે. મેં જોયું છે કે કાયદાકીય લડાઈમાં વકીલો કેવી રીતે ખોટું બોલીને ગરીબ અને મજબૂર લોકો પાસેથી પૈસા લૂંટે છે. મારે કાયદાનું જ્ઞાન મેળવીને સાચા અને ગરીબ લોકોને ન્યાય અપાવવો છે અને એટલે હું વકીલાતનું ભણી રહી છું.’
26 11 attacks cama hospital childbirth terror attack mumbai terror attacks special 26 mid day gujarati mid day news mumbai mumbai news chhatrapati shivaji maharaj terminus csmt