28 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દુબઈમાં કમાવા ગયેલી અને ત્યાં મૅક્ડોનલ્ડ્સના આઉટલેટમાં કામ કરતી મુંબઈની ૨૪ વર્ષની યુવતી પર દુબઈના તેના પાંચ નેપાલી સહ-કર્મચારીઓએ બળાત્કાર કર્યો હતો. ઑક્ટોબર ૨૦૨૪માં ગૅન્ગરેપનો ભોગ બનેલી યુવતીને ત્યાર બાદ ત્યાંની પ્રાઇવેટ હૉસ્પિટલમાં અને પછી સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઘટનાના ૮ મહિના બાદ તે ભારત પાછી આવી શકી હતી. તેની મમ્મીએ હવે મુંબઈમાં પોલીસ-ફરિયાદ નોંધાવી છે.
યુવતીની મમ્મીએ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ત્રણ દીકરીઓ સાથે રહેતી હતી. તે પરિવારનું ગુજરાન ચલાવવા બીજા લોકોની મદદ લેતી હતી. તેની સૌથી મોટી દીકરી અને આ કેસની પીડિત યુવતી દસમા ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમમાં ભણી હતી. તેની મમ્મીને તેના એક ઓળખીતા એજન્ટ માજિદે કહ્યું હતું કે તે તેની દીકરીને દુબઈમાં સારી નોકરી અપાવશે, એની વાતોમાં આવી જઈને તેણે દીકરીને દુબઈ મોકલાવી હતી.
માજિદે પહેલાં એ યુવતીને પોતાના ઘરમાં રાખી હતી. તેના દુબઈના ઘરમાં તેની ઇન્ડોનેશિયન પત્નીને યુવતી મદદ કરતી હતી. એની સાથે અન્ય યુવતીઓને પણ માજિદે રાખી હતી. જોકે યુવતીએ તેને જૉબ માટે દબાણ કરતાં તે તેને બીજા ઘરે લઈ ગયો હતો જ્યાં માજિદની બીજી પાકિસ્તાની પત્ની રહેતી હતી. એ પછી માજિદે તેને દુબઈમાં મૅક્ડોનલ્ડ્સના આઉટલેટમાં જૉબ અપાવી હતી.
મૅક્ડોનલ્ડ્સના આઉટલેટમાં કામ કરનાર તે એકમાત્ર યુવતી હતી. જ્યારે તેની સાથે કામ કરનારા અન્ય પુરુષો નેપાલી હતા. બધા એક જ મકાનમાં રહેતા હતા. યુવતી અન્ય યુવતીઓ સાથે નીચેના માળ પર અને નેપાલીઓ ઉપરના માળે રહેતા હતા. એક નેપાલીએ યુવતી પ્રત્યે સહાનુભૂતિ બતાવીને તેની સાથે સંબંધ વધાર્યા હતા. ૨૦૨૪ની ૨૭ ઑક્ટોબરે તેણે યુવતીને કામસર પોતાની રૂમમાં બોલાવી હતી જ્યાં તેણે અને તેના ૪ સાથીઓએ યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો એટલું જ નહીં, તેને માર પણ માર્યો હતો. એ પછી યુવતીની હાલત નાજુક થઈ જતાં તેમણે યુવતીને ત્યાંની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. હૉસ્પિટલમાં દાખલ કરતી વખતે તેમણે એવું કારણ આપ્યું હતું કે યુવતીએ ઝેર પીવાની કોશિશ કરી હતી.
દીકરીનો સંપર્ક નહોતો થતો એટલે મમ્મી ચિંતામાં
આ બાજુ થોડી દિવસો સુધી દીકરીનો સંપર્ક ન થઈ શકતાં તેની મમ્મી મૂંઝાઈ ગઈ હતી અને તેણે મૅકડોનલ્ડ્સના મૅનેજર સલમાનને ફોન કરીને દીકરીના ખબરઅંતર પૂછ્યા હતા. જોકે ત્યારે સલમાને તેને કહ્યું હતું કે તે રજા પર છે. એ પછી તેની મમ્મીએ એમ્બેસીનો સંપર્ક કરી મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે ત્યાર બાદ યુવતીની મમ્મીને હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તેની દીકરીની સારવાર ચાલી રહી છે. એ પછી યુવતીની દાદી ત્યાં જઈને થોડો વખત તેની સાથે હૉસ્પિટલમાં રહી હતી. એ પછી દાદીનો વીઝા એક્સપાયર થતાં તેમણે પાછાં આવી જવું પડ્યું હતું. ત્યાર બાદ યુવતીને સારવાર માટે ત્યાંની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સરકારી હૉસ્પિટલ દ્વારા યુવતીને ડિસ્ચાર્જ આપવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. એ પછી મૅક્ડોનલ્ડ્સના સિનિયર ઑફિસર પ્રદીપે યુવતીને ટિકિટ કઢાવી આપી હતી અને તેને પાછી ભારત મોકલી હતી. હાલમાં તેની સારવાર અંધેરીની સેવન હિલ્સ હૉસ્પિટલમાં ચાલી રહી છે.
અહીં આવ્યા બાદ યુવતીએ તેના પર શું-શું વીત્યું એની જાણ કરતાં મમ્મીએ વર્સોવા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એ ફરિયાદ કાંદિવલી પોલીસને ફૉર્વર્ડ કરી છે.