12 September, 2025 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવડીથી અટલ સેતુ જવાના માર્ગ પર પડેલા ખાડાનો ફોટો જોઈને લોકોએ રસ્તો સ્પેસ ટેક્નૉલૉજીથી બનાવાયો હોવાની ઠેકડી ઉડાડી હતી.
મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુ તરફ જવાના રસ્તા પર ૨૦ ફુટ ઊંડો ખાડો પડી ગયો છે. શિવડીના મુંબઈ પોર્ટ ટ્રસ્ટ રોડ પર બનેલા આ બનાવને લીધે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો ચિંતામાં મુકાયા હતા. ખાડો એટલો ઊંડો હતો કે નીચેથી પસાર થતા નાળા સુધીનો આખો ભાગ બેસી ગયો હતો. ટ્રાફિક-પોલીસે રસ્તા પર આડશ મૂકીને રસ્તો બંધ કર્યો હતો.
ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ કહ્યું હતું કે સારું થયું કે ખાડામાં કોઈ વાહન ફસાયું નહીં, નહીં તો જીવનું જોખમ ઊભું થાત. આ ખાડાનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં લોકોએ પ્રશાસનની ઠેકડી ઉડાવવાની તક છોડી નહોતી. કોઈએ કમેન્ટમાં લખ્યું હતું કે આ ભારતની સ્પેસ ટેક્નૉલૉજી છે તો અમુક યુઝર્સે લોકોના કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ આટલી હલકી કક્ષાના હોવા બાબતે રોષ દર્શાવ્યો હતો.
આ વર્ષે મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે અમુક રસ્તાઓને અસર થઈ હોવાનું જણાવીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીએ આ રસ્તાનું સમારકામ કરીને નવી ગટરલાઇન બનાવવાનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.