01 December, 2023 03:30 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
પોલીસની પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે વહેલી સવારે બેંગલુરુ (Bengaluru)ની લગભગ ૪૪ શાળાઓને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી (Bengaluru get bomb threat)નો મેઈલ મળ્યો છે. જેના કરાણે આ સ્કૂલોમાં અફરાતફરી મચી ગઈ હતી.
બેંગલુરુની ૧૫ શાળાઓને એક ઈમેલ મળ્યો હતો. જેમાં ધમકી આપવામાં આવી છે કે શાળાના પરિસરમાં બૉમ્બ મુકવામાં આવ્યો છે. આ ઈમેલ મળતાં તરત જ પોલીસને જાણ કરવામાં આવી. અરાજકતાના માહોલમાં પોલીસ તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી. તેથી તે બનાવટી ઈમેલ લાગે છે. પરંતુ પોલીસે શોધ ચાલુ રાખી છે.
બેંગલુરુની એક સ્કૂલે તો ત્યાં ભણતા બાળકોના વાલીઓને બૉમ્બની ધમકી મળવાની જાણ કરી છે. શાળાએ જણાવ્યું હતું કે, આજે શાળા વહીવટીતંત્ર અણધારી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. શાળામાં બૉમ્બ હોવાની ધમકી મળી છે. અમારા માટે વિદ્યાર્થીઓની સુરક્ષા મહત્વની અને સર્વોચ્ચ છે. તેથી, અમે વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળામાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. સુરક્ષા દળોની સલાહ પર વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવી રહ્યા છે.
આ મામલે કર્ણાટક (Karnataka)ના ગૃહમંત્રી ડૉ. જી પરમેશ્વરા (Dr. Gangadharaiah Parameshwara)એ કહ્યું કે, ‘હાલમાં અમને ૧૫ શાળાઓ વિશે માહિતી મળી છે જ્યાં ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ગયા વર્ષે પણ આવી ધમકીઓ મળી હતી. અમે કોઈ જોખમ ન લઈ શકીએ, અમે શાળાઓની તપાસ કરી રહ્યાં છીએ અને પગલાં લઈ રહ્યાં છીએ. શાળાઓમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અમે ધમકીભર્યા કોલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીશું. અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.’
સાથે જ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા (Siddaramaiah)એ કહ્યું કે, ‘આ મામલે પોલીસ તપાસ કરશે. તેમ કરવા માટે તેમને સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના પગલા પણ લેવામાં આવ્યા છે. વાલીઓએ ગભરાવાની જરૂર નથી. મેં પોલીસને શાળાઓનું નિરીક્ષણ કરવા અને સુરક્ષા વધારવા સૂચના આપી છે. પોલીસ વિભાગને પ્રાથમિક અહેવાલ મળી ગયો છે.’
બેંગલુરુની ૧૫ શાળાઓને બૉમ્બની ધમકી મળી હોવાના સમાચાર મળતાં જ કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકામર (D. K. Shivakumar)એ એક શાળાની મુલાકાત લીધી હતી.
પોલીસે જણાવ્યું કે, બેંગલુરુની શાળાના સત્તાવાળાઓએ તરત જ પોલીસને આ મેઈલ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ બૉમ્બ નિકાલ ટુકડીઓ અને તોડફોડ વિરોધી તપાસ ટીમો સાથે સંબંધિત સંસ્થાઓમાં પહોંચી. પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને સ્ટાફને તાત્કાલિક શાળા પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ઘટનાની જાણ વાલીઓને થતાં જ તેઓ બાળકોને લેવા શાળાએ દોડી આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ બેંગલુરુની ઘણી શાળાઓને આવી જ ઈમેલ ધમકીઓ મળી હતી અને બાદમાં એ બધી અફવાઓ સાબિત થઈ હતી.