05 October, 2025 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
MSFનો જવાન ગણેશ જગદાળે
દહિસર પોલીસ-સ્ટેશનમાં કાર્યરત મહારાષ્ટ્ર સુરક્ષા ફોર્સ (MSF)ના જવાનનું ગઈ કાલે કરુણ મૃત્યુ થયું હતું. ૩૧ વર્ષના ગણેશ જગદાળે શુક્રવારે સવારે મલાડ અને ગોરેગામ વચ્ચે ભીડવાળી લોકલ ટ્રેનમાંથી પડી ગયો હતો. આ મામલે બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ ફરી એક વાર લોકલ ટ્રેનમાં મુસાફરોની સલામતી વિશે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. ગણેશ ટ્રેનના દરવાજા પર ઊભો રહી મુસાફરી કરી રહ્યો હતો એ દરમ્યાન વધુ ભીડને લીધે અંદરથી ધક્કો આવતાં સંતુલન ગુમાવીને તે ટ્રૅક પર પડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
બોરીવલી GRPના સિનિયર ઇન્સ્પેક્ટર દત્રા ખુપેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશ દહિસર પોલીસ-સ્ટેશનમાં નાઇટ ટ્યુટી કરીને શુક્રવારે સવારે સાડાઆઠ વાગ્યે દહિસરથી ચર્ચગેટ જતી લોકલમાં ચડ્યો હતો. સવારના સમયે મુસાફરોથી ભરેલી ટ્રેનને કારણે તે દરવાજા પાસે જ ઊભો રહીને પ્રવાસ કરી રહ્યો હતો. આ દરમ્યાન મલાડ અને ગોરેગામ સ્ટેશન વચ્ચે કમ્પાર્ટમેન્ટની અંદર ધક્કામુક્કી થતાં તેણે સંતુલન ગુમાવ્યું હતું અને ચાલતી ટ્રેનમાંથી પાટા પર પડી ગયો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે જખમી થયો હતો. તેને તાત્કાલિક કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગણેશને તાજેતરમાં જ ગોરેગામ-પૂર્વના વનરાઈ પોલીસ-સ્ટેશનથી દહિસર પોલીસ-સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યાં તે એક દિવસ પહેલાં જ ફરજ પર જોડાયો હતો.’