સાઇબર સિક્યૉરિટી ઑપરેશન સેન્ટર ધરાવતી ભારતની પ્રથમ બૅન્ક બની મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્ક

16 June, 2025 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈના વાશીમાં ૫૦ કરોડના ખર્ચે આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હોવાનું બૅન્કના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્ક (MSC) દ્વારા દેશનું સર્વપ્રથમ સાઇબર-સિક્યૉરિટી ઑપરેશન સેન્ટર (C-SOC) શરૂ કરવામાં આવ્યું છે. કો-ઑપરેટિવ બૅન્કિંગ ક્ષેત્રમાં વધતા જતા સાઇબર ગુનાઓને ડામવા MSC બૅન્ક દ્વારા ‘સહકાર સુરક્ષા’ નામે આ પહેલ શરૂ કરવામાં આવી છે. નવી મુંબઈના વાશીમાં ૫૦ કરોડના ખર્ચે આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હોવાનું બૅન્કના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

C-SOC સુવિધા બૅન્કના સભ્યો માટે વિનામૂલ્ય ઉપલબ્ધ રહેશે. MSC બૅન્કના ચૅરમૅન વિદ્યાધર અનાસકરે જણાવ્યું હતું કે ‘મોટા ભાગની કો-ઑપરેટિવ અને ગ્રામીણ બૅન્કો પાસે પૂરતાં સંસાધનો, ટેક્નિકલ મૅનપાવર કે ફન્ડ નથી હોતું. કો-ઑપરેટિવ બૅન્ક પર અમુક વર્ષોમાં ૧૦ લાખ સાઇબર અટૅક થયા છે એટલે આ ક્ષેત્રમાં સાઇબર સિક્યૉરિટીનું માળખું ઊભું કરવું જરૂરી છે.’

સહકાર સુરક્ષા સેન્ટરો મહારાષ્ટ્રની ૩૧ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઑપરેટિવ બૅન્કોમાં શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના સપોર્ટથી ચાલતી હોવાને કારણે સાઇબર અપરાધોને રિયલ-ટાઇમમાં જાણી શકશે. MSC બૅન્ક પોતાના અધિકારીઓને સાઇબર હાઇજીન ટ્રેઇનિંગ આપીને સ્ટાફમાં ઑનલાઇન સ્કૅમ વિરુદ્ધ જાગૃતિ લાવવાનું કામ પણ કરશે. આ આખું મૉડલ અન્ય રાજ્યોની કો-ઑપરેટિવ બૅન્કો પણ અપનાવે એવી શક્યતા છે.

maharashtra cyber crime crime news mumbai crime news news mumbai news state bank of india maharashtra news mumbai