✕

નવરાત્રિમાં જીવદાની માતાનાં દર્શને જતાં મમ્મી-દીકરાને ટૅન્કરે કચડ્યાં

13 October, 2026 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટક્કર એટલી જોરદાર હતી કે ૪ વર્ષના દીકરા અને મમ્મીના ઘટનાસ્થળે જ જીવ જતા રહ્યા

પાલ પરિવારનું ટૂ-વ્હીલર અને એને જેણે ટક્કર મારી એ વૉટર-ટૅન્કર. અકસ્માતમાં જીવ ગુમાવનાર મમ્મી અને દીકરો.

નવરાત્રિના બીજા દિવસે માતા જીવદાનીનાં દર્શને જવા નીકળેલાં મમ્મી અને દીકરાનાં અકસ્માતમાં કરુણ મોત થયાં હતાં. આ ઘટના વિરારના કોપરીનાકા ખાતે ગઈ કાલે સવારે ૯ વાગ્યે બની હતી. ધર્મેન્દ્ર પાલ તેમની પત્ની કવિતા પાલ અને તેના ૪ તથા ૭ વર્ષના બે દીકરાને લઈને ટૂ-વ્હીલર પર જીવદાની જઈ રહ્યા હતા ત્યારે એક વૉટર-ટૅન્કરે પાછળથી ટક્કર મારતાં 
તેઓ રસ્તા પર પટકાયા હતા જેને કારણે તેમની પત્ની અને ૪ વર્ષના દીકરાનાં મૃત્યુ થયાં હતાં.

નવરા‌ત્ર‌િમાં મમ્મી અને દીકરાનાં આ રીતે મૃત્યુ થતાં સ્થાનિકો પણ ભારે આઘાત અને શોકમાં છે. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતનું કારણ શું છે એ જાણવા માટે તપાસ શરૂ કરી છે. જીવદાની માતાનાં દર્શને ટૂ-વ્હીલર પર નીકળેલો પરિવાર કોપરીનાકા પહોંચ્યો ત્યારે વૉટર-ટૅન્કરે તેમને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બન્નેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. આ ઘટના બાદ ટૅન્કરના ડ્રાઇવરની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.    

mumbai news mumbai navratri road accident mumbai police