02 March, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્લાઇટ વિશે કોઈ પણ સ્પષ્ટતા ન થતાં અનેક મુસાફરો મુંબઈ ઍરપોર્ટ પર અટવાઈ ગયા હતા.
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પરના હુમલા અને ગલ્ફમાં ઍરસ્પેસ બંધ કરવામાં આવ્યા બાદ રવિવારે પણ મુંબઈ અને દિલ્હી ઍરપોર્ટ પર ૨૨૫ જેટલી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઑફ સિવિલ એવિએશને પહેલી માર્ચે ભારતમાં ૪૪૪ ફ્લાઇટ્સ રદ થાય એવી શક્યતા જણાવી હતી. સાંજ સુધીમાં દેશનાં વિવિધ ઍરપોર્ટ્સ પર ૩૫૦ ફ્લાઇટ્સ રદ થઈ હતી.
મુંબઈ ઍરપોર્ટ પર ૧૨૫ ફ્લાઇટ્સ અને દિલ્હી ઍરપોર્ટ પર ઓછામાં ઓછી ૧૦૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ પરિસ્થિતિ આજે પણ યથાવત્ રહે એવી સંભાવના છે, જ્યારે બે દિવસથી ફ્લાઇટ્સ રદ થવાને કારણે પરિસ્થિતિ નૉર્મલ થતાં હજી એક સપ્તાહ લાગે એવી સંભાવના હોવાનું ઍરપોર્ટ ઑથોરિટીના અધિકારી જણાવ્યું હતું. ૭ માર્ચ સુધી મોટા ભાગની ફ્લાઇટ્સ નૉન-ઑપરેશનલ રહે એવી સંભાવના છે.
રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યા સુધીમાં મુંબઈ ઍરપોર્ટ પર ૬૭ મુંબઈથી ઊપડતી અને ૫૮ મુંબઈ આવતી ફ્લાઇટ રદ રહી હતી. આ ઉપરાંત પાર્કિંગની જગ્યાની અછતને કારણે મુંબઈ ઍરપોર્ટ પર શનિવારે રાત્રે ૯ વાગ્યાથી પહેલી માર્ચ સુધી સવારે ૮ વાગ્યા સુધી ડાઇવર્ઝન માટે કોઈ પણ ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર આવી નહીં શકે એવી નોટિસ ટુ ઍરમેન (NOTAM) જાહેર કરી હતી. એને કારણે ઘણી ફ્લાઇટ્સ એમના મૂળ ઍરપોર્ટ પર પાછી ફરી રહી હતી અથવા નજીકના ઍરપોર્ટ પર ડાઇવર્ટ થઈ હતી.
ઍર ઇન્ડિયા અને ઇન્ડિગોના મુસાફરો કોઈ પણ વધારાના ખર્ચ વિના તેમની ફ્લાઇટ્સ રીશેડ્યુલ કરી શકે છે અથવા સંપૂર્ણ રીફન્ડ માગી શકે છે એવી જાહેરાત કરવામાં આવી હતી. એમ છતાં અચાનક ટ્રાવેલિંગ-પ્લાનમાં થયેલા ફેરફારને લીધે હજારો મુસાફરો ઍરપોર્ટ પર ફસાયા હતા. મુંબઈ ઍરપોર્ટ પર ઠેર-ઠેર મુસાફરો જમીન પર સૂતેલા અને બૅગેજ સાથે અટવાયેલા દેખાયા હતા. નાનાં બાળકો સાથે ઍરપોર્ટ પર પહોંચેલા પરિવારોને ભારે હાલાકી થઈ હતી. માત્ર ગલ્ફના દેશોની જ ફ્લાઇટ્સ નહીં, ગલ્ફના દેશોમાં લે–ઓવર હોય એવી USA સહિત અન્ય દેશોની ફ્લાઇટના મુસાફરો પણ અટવાયા હતા. કનેક્ટિંગ ફ્લાઇટ્સ મિસ થવાને કારણે મુસાફરોની મુશ્કેલી વધી હતી.
દુબઈમાં રહેતા બિઝનેસ ટ્રાવેલ-કન્સલ્ટન્ટ પ્રતીક પટેલના મત પ્રમાણે દુબઈમાં અટવાયેલા પ્રવાસીઓ માટે ચિંતાકારક પરિસ્થિતિ નથી. તેમના રહેવાની અને ભોજનની વ્યવસ્થા ઍરલાઇન્સ દ્વારા કરવામાં આવી રહી છે. ઍરસ્ટ્રિપ બંધ રહેવાની વાત પર તેમણે સ્પષ્ટતા કરી હતી કે ‘દુબઈ સ્ટૅન્ડ-સ્ટિલ થઈ જાય એવું બની જ ન શકે. લોકો ફુલ સ્પિરિટ સાથે આજે પણ કામ પર આવ્યા છે. હું અને મારો પરિવાર સંપૂર્ણ સલામતી અનુભવીએ છીએ. સોમવારથી અમુક ઍરલાઇન્સ શરૂ થવાની શક્યતા છે. દુબઈમાં દૂધ સિવાય મોટા ભાગનું અનાજ બહારથી આવે છે એટલે લૉજિસ્ટિક્સ વગેરે પણ ૪૮ કલાકથી વધારે સમય સુધી બંધ રાખવું પરવડે એમ નથી. એટલે કાર્ગો ટ્રાન્સપોર્ટ વગેરે પણ ટૂંક સમયમાં પૂર્વવત્ થઈ જશે.’
પવિત્ર રમઝાન મહિનો ચાલતો હોવાથી ઉમરાની ધાર્મિક વિધિ કરવા માટે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના મુસ્લિમો સાઉદી અરેબિયામાં ગયા છે. રાજ્ય લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાને જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યના ૫૦૦થી વધુ ટૂર-ઑપરેટરો ઉમરા માટે સાઉદી અરેબિયાની ટૂર લઈ ગયા છે. એથી શક્ય છે કે મહારાષ્ટ્રના ૫૦,૦૦૦થી વધુ મુસ્લિમો હાલમાં સાઉદી અરેબિયામાં હાજર છે. સરકાર સત્તાવાર રીતે હજ માટે જતા હજયાત્રીઓની નોંધણી કરે છે, પરંતુ ઉમરા માટે જતા લોકોની કોઈ કેન્દ્રીયકૃત નોંધણી નથી. મોટા ભાગના હજયાત્રીઓ ખાનગી ટૂર અને ટ્રાવેલ-ઑપરેટરો દ્વારા મુસાફરી કરે છે. એથી કમિશને સ્પષ્ટતા કરી કે ચોક્કસ સંખ્યા કહેવું મુશ્કેલ છે. રાજ્ય લઘુમતી આયોગે આ સંદર્ભમાં તાત્કાલિક પ્રવૃત્તિઓ શરૂ કરી છે અને દરેકને સુરક્ષિત પાછા લાવવા માટે ઝુંબેશ શરૂ કરી છે.