03 February, 2022 11:35 AM IST | Mumbai | Dharmendra Jore
બાંદરામાં આવેલી એમઆઇજી ક્લબમાં એમએનએસના નેતાઓ સાથે રાજ ઠાકરે (તસવીર : એમએનએસ ટ્વિટર હૅન્ડલ@mnsadhikrut)
મુંબઈ સુધરાઈની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે ત્યારે બીજેપી, શિવસેના અને કૉન્ગ્રેસ બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ બીએમસીની ચૂંટણીમાં કોઈ પક્ષની સાથે યુતિ થવાની વાતો પર ધ્યાન આપવાને બદલે એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારીમાં લાગવાનું કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. એપ્રિલમાં યોજાનારી ચૂંટણીની તૈયારીરૂપે રાજ ઠાકરેએ ગઈ કાલે એમઆઇજી ક્લબમાં પક્ષના નેતાઓની બેઠક યોજી હતી.
મુંબઈ ઉપરાંત એમએનએસને થાણે, નાશિક, પુણે, પિંપરી-ચિંચવડ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં પણ રસ છે. આથી આ બાબતે ચર્ચા કરવા માટે ગઈ કાલે એમઆઇજી ક્લબમાં પક્ષના નેતાઓની બેઠક રાજ ઠાકરેએ આયોજિત કરી હતી. એમએનએસના નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘ઇલેક્શન મૅનેજમેન્ટ, સોશ્યલ મીડિયા પ્લાનિંગ, ઉમેદવારોની પસંદગી અને અનેક બીજા મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજસાહેબે અમને એકલા હાથે ચૂંટણી લડવાના નિર્દેશ આપ્યા છે. મહાવિકાસ આઘાડી કુંભકર્ણની ઊંઘમાં છે એ અમારો ચૂંટણીમુદ્દો હશે.’