રાજ ઠાકરેનું અલ્ટિમેટમ

23 March, 2023 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલની ગૂઢી પાડવાની સભામાં હિન્દુત્વની લાઇન પકડીને માહિમના દરિયામાં ગેરકાયદે ઊભી કરવામાં આવેલી દરગાહ જો એક મહિનામાં નહીં દૂર કરવામાં આવે તો એની બાજુમાં જ ગેરકાયદે ગણપતિનું મંદિર ઊભું કરવાની કરી જાહેરાત

રાજ ઠાકરે (તસવીર : આશિષ રાણે)

શિવસેનામાંથી બહાર જતાં પહેલાં શું થયું હતું એની પણ વાત તેમણે કરી : મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કહેવા માગું છું કે તેઓ જો મસ્જિદ ઉપરનાં લાઉડ સ્પીકર નહીં ઉતારે તો અમને ઉતારવા દો. પછી જે થાય એના પર ધ્યાન નહીં આપતા એમ કહ્યું રાજ ઠાકરેએ : 1 મહિનો - રાજ ઠાકરેએ સરકારને આટલો સમય દરગાહ હટાવવા માટે આપ્યો છે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના સ્થાપક-અધ્યક્ષ રાજ ઠાકરે ગુઢી પાડવાની સભામાં શું બોલશે અને કોને નિશાના પર લેશે એવી ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી શરૂ થઈ હતી. તાજેતરમાં જ રાજ ઠાકરેએ થાણેની સભામાં સંકેત આપ્યો હતો કે તેઓ ગુઢી પાડવાની સભામાં મસ્જિદ ઉપરના લાઉડ સ્પીકર સહિતના મુદ્દે બોલશે. એ સિવાય રાજ્યમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની સરકાર બની છે એટલે આ બંને નેતાઓ તેમ જ ઉદ્ધવ ઠાકરે વિશે તેમ જ મહાનગરપાલિકાની ચૂંટણી અને કોઈ પક્ષ સાથે યુતિ કરાશે કે નહીં એ વિશે શું બોલશે એના પર બધાની નજર હતી. રાજ ઠાકરેએ તેમની સભામાં ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે શિવસેનાને ખતમ કરી અને હિન્દુઓ જો નહીં જાગે તો તેમના પગ નીચેથી ક્યારે જમીન સરકી જશે એ ખ્યાલ નહીં આવે એમ કહીને રામનવમી જોરશોરથી મનાવવાની સાથે આસપાસમાં મુસ્લિમો શું કરી રહ્યા છે એના પર નજર રાખવાનું કહ્યું હતું.

રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં ગુઢી પાડવા નિમિત્તે રાજ્યભરમાંથી આવેલા એમએનએસના હજારો સૈનિકો સમક્ષ ગઈ કાલે પહેલી વખત તેઓ શા માટે શિવસેનામાંથી નીકળ્યા અને કેમ એમએનએસની સ્થાપના કરવી પડે એ વિશે કહ્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘બાળાસાહેબ જીવતા હતા ત્યારે તેમના બાદ કોણ?નો પ્રશ્નો ઊભો થયો ત્યારે હું ઉદ્ધવને લઈને પ્રતાપગઢ પાસેની એક હોટેલમાં ગયો હતો. અહીં ઉદ્ધવને પક્ષપ્રમુખપદ કે મુખ્ય પ્રધાનપદ જોઈએ છે? એવો સવાલ કર્યો હતો ત્યારે તેણે હા પાડી હતી. આથી અમે ઘરે આવ્યા હતા અને બાળાસાહેબને જગાડીને મેં કહ્યું હતું કે ઘરનો વિવાદ મેં પતાવી દીધો છે. આ સાંભળીને બાળાસાહેબ મને ભેટી પડ્યા હતા. તેમણે ઉદ્ધવને બોલાવ્યા હતા, પરંતુ તેઓ બાળાસાહેબની રૂમમાં નહોતા આવ્યા અને બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ મને પક્ષમાંથી બહાર કાઢવા માટેના અનેક પ્રયાસ કરાયા. આથી કંટાળીને હું બહાર નીકળ્યો. બાદમાં નારાયણ રાણેથી લઈને અનેક પ્રખર શિવસૈનિકોને પણ ઉદ્ધવ અને તેમની ટોળકીએ બહાર કાઢ્યા. તેમના આ વર્તન અને વ્યવહારને લીધે આજે તેમના હાથમાંથી શિવસેના અને ધનુષબાણ ગયાં. રાજ્યની જનતાનો વિચાર કરવામાં નહોતો આવતો એટલે તેમને ન્યાય અપાવવા માટે એમએનએસની સ્થાપના કરી.’

રાજ ઠાકરેએ ધર્માંધ નહીં પણ ધર્માભિમાની હિન્દુઓની જરૂર છે એ વિશે કહ્યું હતું કે ‘આજે મને અને આખા રાજ્યને ધર્માભિમાની હિન્દુઓની જરૂર છે. પાકિસ્તાનને સંભાળાવી શકે એવા હિંમતવાન મુસ્લિમોની જરૂર છે. જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને મુંબઈ પર હુમલો કરનારાઓ ફરી રહ્યા હોવાનું કહ્યું હતું. આવી હિંમત ભારત અને રાજ્યના મુસ્લિમોમાં હોવી જોઈએ. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કહેવા માગું છું કે તેઓ જો મસ્જિદ ઉપરનાં લાઉડ સ્પીકર નહીં ઉતારે તો અમને ઉતારવા દો. પછી જે થાય એના પર ધ્યાન નહીં આપતા. મહાવિકાસ આઘાડીની સરકારે એમએનએસના ૧૭,૦૦૦ સૈનિકો સામે લાઉડ સ્પીકર મામલે કેસ નોંધ્યા છે એ પાછા લો.’

અત્યારે મુંબઈમાં ચાલી રહેલા બ્યુટિફિકેશન બાબતે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘૧,૭૦૦ કરોડ રૂપિયા રસ્તાના ઇલેક્ટ્રિક પોલમાં લાઇટ લગાવવા અને બ્યુફિકેશન પાછળ ખર્ચવામાં આવ્યા. આવા ખર્ચનો શું અર્થ? આના બદલે જનતાનાં કામ કરો. એકનાથ શિંદે નવા-નવા મુખ્ય પ્રધાન બન્યા છે તો તેમણે વરલી કે ખેડની સભાની પાછળ સભાઓ કરવાને બદલે જનતાના પેન્શન જેવી સમસ્યાઓ અને ખેડૂતોની મુશ્કેલીઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તેમના હાથમાં અત્યારે શિવસેના અને ધનુષબાણ છે. તેઓ બાળાસાહેબના વિચારોને આગળ લઈને ચાલવાનું કહે છે તો આ વિચારને અમલમાં પણ મૂકે.’

વિદેશી આક્રમણ કરનારાઓ સામે લડીને હિન્દુ પ્રાંતમાં મરાઠાઓએ જ હિન્દવી રાજની સ્થાપના કરી છે. આથી રાજકારણની રમતમાં રચ્યાપચ્યા રહેવાને બદલે આપણે હિન્દુઓને ન્યાય મળે એ માટેનાં કામ કરવાં જોઈએ. સ્ટેજ પરથી તેમણે માહિમના સમુદ્રમાં મુસ્લિમો દ્વારા એક દરગાહ બનાવાતી હોવાની વિડિયો-ક્લિપ બતાવી હતી. રાજ ઠાકરેએ આ વિશે કહ્યું હતું કે ‘હિન્દુઓ આ જોઈને નહીં જાગે તો તેમના પગ નીચેથી મુસ્લિમો જમીન સેરવી લેશે. સામાન્ય જનતાની સાથે સુધરાઈ, પોલીસ, નેતાઓ, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને આના પર ધ્યાન આપવાની જરૂર છે. હિન્દુસ્તાનમાં રહીને મુસ્લિમો આવાં ગેરકાયદે કામ આપણી નજર સામે કરી રહ્યા છે. તેમના પર કેમ કોઈ કાર્યવાહી નથી થતી? એક મહિનામાં જો માહિમની દરગાહની પાછળ સમુદ્રમાં બંધાઈ રહેલી દરગાહને તોડી નહીં નખાય તો અમે જઈને તોડીશું. પછી જે થવાનું હોય એ થાય. આવી જ રીતે સાંગલીમાં રમતગતમના એક મેદાનમાં મુસ્લિમો દ્વારા સ્થાનિક રહેવાસીઓને ડરાવી-ધમકાવીને મસ્જિદ બાંધવામાં આવી રહી છે. આવું કેમ ચલાવી લેવાય? પોલીસ કે પ્રશાસન આવા ગેરકાયદે કામને સાથ આપે તો કાલે આ મુસ્લિમો આપણા પર હાવી થઈ જશે. તેમને રોકવાની જરૂર છે. જનતા મારા હાથમાં સત્તા આપશે તો આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરાવીશ. રામનવમી મોટા પ્રમાણમાં ઊજવો. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને ૬ જૂને ૩૫૦ વર્ષ થઈ રહ્યાં છે. આ દિવસે હું રાજગઢ પર જઈશ અને બધા મોટી સંખ્યામાં જોડાજો.’

રાજ્યની જનતા સત્તા માટે લડી રહેલા વિવિધ પક્ષોથી કંટાળી ગઈ છે. અત્યારે જે રાજકારણની રમત રમાઈ રહી છે એને રાજ્યના પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી. એને બદલે અત્યારે જ વિધાનસભાની ચૂંટણી જાહેર કરો અને જનતાને એનો નિર્ણય લેવા દેવો જોઈએ એમ કહીને રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે, કૉન્ગ્રેસ, એનસીપી અને બીજેપીને ટોણો માર્યો હતો.

તસવીર : આશિષ રાજે

ભાવિ મુખ્ય પ્રધાન રાજ ઠાકરે
એમએનએસના સ્થાપક-અધ્યક્ષ રાજ ઠાકરેની દર વર્ષની જેમ આ વખતે પણ ગુઢી પાડવાની શિવાજી પાર્કમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે હિન્દુ નવા વર્ષ એટલે કે ગુઢી પાડવાની સવારે શિવસેનાભવનની સામે રાજ ઠાકરેના સમર્થકોએ એક બૅનર લગાવ્યું હતું જે આખો દિવસ ચર્ચાનો વિષય બન્યું હતું. એમએનએસની માહિમ વિધાનસભા શાખાએ આ બૅનર લગાવ્યું હતું એવું જાણવા મળ્યું હતું. આ બૅનરમાં રાજ ઠાકરેના મોટા ફોટો સાથે લખવામાં આવ્યું હતું કે ‘મહારાષ્ટ્રની જનતાની પસંદગીના ભાવિ મુખ્ય પ્રધાન... હિન્દુ જનનાયક રાજસાહેબ ઠાકરે’. આ બૅનરમાં હિન્દુ ભાઈ-બહેનોને ગુઢી પાડવાની શુભેચ્છા પણ આપવામાં આવી છે. શિવસેનાભવનની સામે જ આવું બૅનર લગાવવાથી બધાનું એ ધ્યાન એ તરફ ખેંચાયું હતું. આ સાથે એવી ચર્ચા જાગી છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એમએનએસ રાજ ઠાકરેને મુખ્ય પ્રધાનપદના દાવેદાર બનાવશે? 

મુખ્ય પ્રધાન એમએનએસની શાખામાં
સાંજે શિવાજી પાર્કમાં રાજ ઠાકરેની જાહેર સભા થઈ હતી તો બપોરના સમયે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અચાનક તેમના સમર્થકો સાથે એમએનએસની શાખામાં પહોંચી ગયા હતા. મુખ્ય પ્રધાન ડોમ્બિવલીમાં આયોજિત શોભાયાત્રામાં હાજરી આપવા ગયા હતા ત્યારે તેઓ અહીં આવેલી એમએનએસની શાખામાં ગયા હતા અને એમએનએસના એકમેવ વિધાનસભ્ય રાજુ પાટીલની મુલાકાત કરીને ચર્ચા કરી હતી. તેમની આ મુલાકાતથી રાજકીય ચર્ચા જામી હતી. એકનાથ શિંદે અચાનક આવી પહોંચતાં ડોમ્બિવલીના એમએનએસના નેતાઓ ચોંકી ગયા હતા. 

મુખ્ય પ્રધાન વિધાનસભ્યો અને સાંસદ સાથે અયોધ્યા જશે
સરકાર બનાવ્યા બાદ હિન્દુઓના ઇષ્ટદેવ રામની જન્મભૂમિ અયોધ્યાની મુલાકાતે જવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેર કર્યું હતું. એ મુજબ તેઓ તેમની સાથેના તમામ વિધાનસભ્યો અને સંસદસભ્યો સાથે ૬ એપ્રિલે અયોધ્યા જશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એકનાથ શિંદે અયોધ્યામાં રામલલાનાં દર્શન કરશે. તેમની અયોધ્યાની આ મુલાકાત દરમ્યાન શું-શું આયોજન કરવામાં આવશે એના પર સૌની નજર રહેશે. એકનાથ શિંદેએ થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે અયોધ્યા એ શ્રદ્ધા અને અસ્મિતાનો વિષય છે એટલે અમે ચોક્કસ અયોધ્યા જઈશું. 

mumbai mumbai news maharashtra shiv sena maharashtra navnirman sena bharatiya janata party raj thackeray eknath shinde devendra fadnavis mahim gudi padwa