✕

દિશા સાલિયન કેસમાં ગુમ થયેલી CCTV કૅમેરાની હાર્ડ ડિસ્ક મળી આવી : ફૉરેન્સિક તપાસ માટે મોકલાઈ

30 September, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૃત્યુવાળી રાતનાં ફુટેજ સાથે કોઈ ચેડાં થયાં હતાં કે નહીં એ વિશે CBI ઊંડી તપાસ કરશે

દિશા સાલિયન

દિશા સાલિયનના શંકાસ્પદ મોતના કેસમાં પ્રારંભિક તપાસ દરમ્યાન ભેદી રીતે ગુમ થયેલી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાની એક હાર્ડ ડિસ્ક આખરે મળી આવતાં એને  ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મહત્ત્વના પુરાવાને પગલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ૬ વર્ષ જૂના આ કેસમાં વધુ એક મહત્ત્વનો ઇલેક્ટ્રૉનિક પુરાવો હાથ લાગ્યો છે જેના આધારે દિશાના મૃત્યુની રાતે ચોક્કસ શું બન્યું હતું એ જાણી શકાશે.
અગાઉની તપાસ દરમ્યાન આ હાર્ડ ડિસ્ક ગુમ હોવાનું નોંધવામાં આવ્યું હતું. ત્યાર બાદ CCTV કૅમેરાનાં ફુટેજના પુરાવાઓ સાથે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોમાં આ મુદ્દો સતત કેન્દ્રસ્થાને રહ્યો હતો. દિશાના પપ્પા સતીશ સાલિયન વતી હાજર રહેલા ઍડ્વોકેટ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે આ ડિસ્ક મળી આવ્યા બાદ હવે એનું ઊંડાણપૂર્વકનું ફૉરેન્સિક એક્ઝામિનેશન થવું ખૂબ જરૂરી છે.
ઍડ્વોકેટ નીલેશ ઓઝાએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે ઘટનાના ચોક્કસ સમયગાળાનું CCTV કૅમેરાનું ફુટેજ ગાયબ કરી દેવાયું હતું અને આ ઇલેક્ટ્રૉનિક પુરાવાઓને યોગ્ય રીતે સાચવવામાં આવ્યા નહોતા. હવે આ તમામ બાબતોની CBIએ તપાસ કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસના કહેવા મુજબ અગાઉ આ કેસની તપાસના ભાગરૂપે CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. ૨૦૨૨ના તપાસ-અહેવાલમાં પોલીસે જણાવ્યું હતું કે તેમણે બિલ્ડિંગનાં ૪ દિવસનાં CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસીને તપાસ આગળ વધારી હતી.

- અભિતાષ સિંઘ

mumbai news mumbai disha salian mumbai police